પત્રકારત્વના વિષયમાં અનુસ્નાતક(એમ.એ.)
અને અનુપારંગત(એમ.ફિલ.) કક્ષાએ અધ્યાપન કરાવું છું. પત્રકારત્વના વર્ગમાં જે તે
દિવસ-મહાત્મ્ય, ઘટના-વિશેષ
કે વ્યક્તિ-સ્મૃતિને ધ્યાનમાં રાખીને, પહેલી પાંચેક મિનિટ વાચન કરું છું. આ માટે મહેન્દ્ર
મેઘાણી સંપાદિત 'અડધી
સદીની વાચનયાત્રા' (ભાગ-૧,૨,૩,૪)નો છૂટથી અને વટથી ઉપયોગ કરું છું.
સાથેસાથે જે તે દિવસ-ઘટના-વ્યક્તિ સંબંધિત અન્ય સંદર્ભો પણ ટાંકું છું. આટલી
વાચન-સૂચિને આધારે વિદ્યાર્થીઓને ગ્રંથાલયમાં જવાનો ઉમળકો થાય છે. આમ, તેઓને વાચનમાં પહેલાં કુતૂહલ, પછી આદત અને છેવટે બંધાણ થાય છે.
દરરોજ બારથી ત્રણના વર્ગ-વ્યાખ્યાનકાર્ય
બાદ આપણો ત્રણથી છનો ખેલ ગૂજરાત વિદ્યાપીઠના ગ્રંથાલયમાં ગોઠવાયેલો હોય છે. અહીં, લગભગ છ લાખ પુસ્તકોનો બહોળો
જ્ઞાન-પરિવાર ધરાવતું ગ્રંથાલય છે. જ્યાં પુસ્તકો જોઉં છું, જાણું છું, વાંચું છું, માણું છું. અહીં, ઘણું વાંચું છું એવું બહારખાનેથી ચર્ચાઈ
રહ્યું છે, પણ
હજી ઘણું વાંચવાનું બાકી છે એવું અંદરખાનેથી જાણું છું! પુસ્તકના સ્વરૂપની વાત
કરું તો, આત્મચરિત્રો,
જીવનચરિત્રો અને
અનુભવમૂલક કથાનકો પરત્વે વધુ વાચનપ્રેમ છે. પત્રકારત્વના વિષયક્ષેત્ર સાથેના
જોડાણને કારણે હકીકતલક્ષી વાચન-સામગ્રી તરફ વધારે પક્ષપાત રહ્યો છે. મુખ્યત્વે
ગાંધીવિચાર, પત્રકારત્વ-પ્રત્યાયન,
સમાજશાસ્ત્ર, ઇતિહાસ, શિક્ષણ, ભાષા-સાહિત્ય, માનવઅધિકારો, દલિતસાહિત્ય, પર્યાવરણ, વિજ્ઞાન-પ્રોદ્યોગિકી, તસવીરકળા ... વિષયક ગ્રંથો વાંચવાનો લોભ
અને એ રીતે લાભ થતો રહ્યો છે.
ગાંધી-ગ્રંથસામગ્રી પ્રત્યે વાચન-રાગ
સવિશેષ રહ્યો છે. કારણ કે, અનુપારંગત(એમ.ફિલ.)
અને વિદ્યાવાચસ્પતિ (પીએચ.ડી.) કક્ષાએ સંશોધન-કાર્ય ગાંધીજીના પત્રકારત્વ ઉપર
કેન્દ્રિત હતું. આજે પણ ગાંધીજીવન અને ગાંધીકવન સંબંધી સાહિત્યનું અતિ નિયમિત
વાચન-ચિંતન-મનન કરું છું. હાલમાં, વિદેશી
લેખકો-પત્રકારો-સંશોધકોએ ગાંધીજી વિષયક લખેલાં પુસ્તકોની સમીપે છું. વળી, મહાન વ્યક્તિત્વોની ગ્રંથસરિતામાં
ડૂબકી લગાવીને અને ક્યારેક એમાં ગળાડૂબ રહીને એમના જન્મોત્સવની ઉજવણી કરવાનો
આનંદ તો અનુભવ્યો હોય એ જાણે. કાકાસાહેબ કાલેલકર જન્મ-સવાસો(૧૮૮૫-૨૦૧૦) અને બબલભાઈ
મહેતા જન્મ-શતાબ્દી(૧૯૧૦-૨૦૧૦) અવસરે એમનું લગભગ તમામ ગ્રંથ-સાહિત્ય વાંચ્યું.
ઉમાશંકર જોશી જન્મ-શતાબ્દી(૧૯૧૧-૨૦૧૧) ટાણે કવિના મંગલ શબ્દ-ધ્વનિનો આસ્વાદ લઈ
રહ્યો છું.
પ્રસૂતિગૃહમાં તાજાં જન્મેલાં
માનવ-બચ્ચાંને જોવા-તપાસવા માટે ચિકિત્સક ફેરણી(રાઉન્ડ) લે છે. આ જ રીતે
ગ્રંથગૃહની એ કાચપેટી આગળ પહોંચી જાઉં છું. જ્યાં નવાં આવેલાં પુસ્તકો ગોઠવેલાં
હોય. ગમે તે સર્જકનાં કે વિષયનાં હોય, પણ આ પુસ્તકોને થોડી ક્ષણો માટે ઊંચકીને
એને થપથપાવવાનો આનંદ પિતૃત્વની અનુભૂતિથી જરાય જુદો નથી હોતો! સંધ્યા-વેળાએ
ગ્રંથાલયમાંથી પરત ફરું ત્યારે એક જગ્યાએ ખાસ અટકું છું. આ જગ્યાએ વિવિધ
નાત-જાત અને પોત-ભાતના વાચકો પાસેથી વંચાઈને પરત થયેલાં પુસ્તકો ઢગલાયેલાં હોય છે.
જેના કારણે એ ખ્યાલ આવે છે કે, વાચકરાજા
કે. જી. મશરૂવાળાને વાંચે છે કે આઈ. કે. વીજળીવાળાને, કૃષ્ણમૂર્તિને વાંચે છે કે સુધા
મૂર્તિને, નિરંજન
ભગતને વાંચે છે કે ચેતન ભગતને! વળી, અહીંથી ક્યારેક એવું પુસ્તક પળમાં મળી જાય, જેને આપણે યુગોથી શોધતાં હોઈએ!
વધુ વિદ્યાર્થીઓ વાંચે અને વિદ્યાર્થીઓ
વધુ વાંચે એ માટે એમને વાચનલાયક પુસ્તકોની વિગતો આપતો રહું છું. આ માટે
માહિતી-કેન્દ્રો તરીકે વર્ગખંડ અને ગ્રંથખંડ સિવાયની જગાઓ પણ નિમિત્ત બનતી
હોય છે. વિદ્યાર્થીઓ-શિક્ષકોને અને મિત્રો-પરિચિતોને જોઈતું પુસ્તક શોધી આપવા માટે
કરેલા મરણિયા પ્રયાસોને જિંદગીની મોંઘેરી મૂડી માનું છું. ક્યારેક વિદ્યાર્થીઓ થકી
પણ કોઈક નોખા-અનોખા પુસ્તક સાથે હસ્તમેળાપ થાય ત્યારે હૈયે હરખનાં હરણાં ઊછળ-કૂદ
કરી મૂકે છે. વિદ્યાર્થીઓ-શિક્ષકો અને પરિચિતો-મિત્રો સાથે પુસ્તક-વાચનની સમાંતરે
પુસ્તક-ચર્ચા કરવી ગમે છે. આ માટે ગ્રંથાલયનું વાહનતળ(પાર્કિંગ) એ ત્વરિત-ઉપલબ્ધ
જગ્યા છે. જોકે રસ્તાની ધારે આવેલાં કીટલી-કેન્દ્રો વધારે મોકળાશ આપે છે. આમ પણ
ચોપડી, ચર્ચા
અને ચા વાચન-પ્રક્રિયાનો મજાનો ત્રિકોણ સર્જે છે!
|
Photograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર |
આપણી તો વૃત્તિ જ એવી કે, વાચન-સામગ્રી પસંદ પડી હોય તો 'ગમતાંનો કરીએ ગુલાલ' અને નાપસંદ પડી હોય તો 'ન ગમતાંનો કરીએ જુલાબ'! જોકે કશુંક આનંદપ્રદ વાંચ્યું હોય તો
અન્યને પણ વાચન-રસમાં તરબોળ કરવા ગમે છે. એકલપંડે જ ગ્રંથ-રસ ચૂસતાં રહીએ તો
માનસિક મધુપ્રમેહ થવાની શક્યતા અને જોખમ વધી જાય! આથી, શક્ય એટલા વાચનપ્રેમીઓને ગ્રંથાલયના
સભ્ય બનાવવા માટે તેમના જામીન થવું ગમે છે. આમ પણ, આપણી સહી ગ્રંથાલય-સભ્યપદ માટે જામીનગીરીના અરજીપત્રક સિવાય ક્યાંય ચાલતી નથી! આ રીતે ઘણા બધા વાચન-રસિકોને
ગ્રંથાલય-સભ્ય બનાવવાનો અનેરો સંતોષ અનુભવાય છે.
પુસ્તકોની સોબતમાં હોઉં ત્યારે કોઈ ખલેલ
ન પહોંચે તો ગમે. લોક-હાજરીમાં, ગ્રંથાલય-મધ્યે
પરિચિતો સાથે સંવાદના બદલે સ્મિત કરવું વધારે ગમે. વચનભંગ તો ચલાવી લઉં, પણ વાચનભંગ નહીં! જોકે ચારે બાજુ
વિક્ષેપ સિવાય કશું જ ન હોય ત્યારે પણ, પુસ્તક-સંગ ખરેખર ભીડભંજન સાબિત થાય છે. વળી, સારા પુસ્તક-વાચનનો શોખ હોય પછી એકાંતનો
શોક આરામથી સહન થઈ શકે છે. ગાંધીજી લખે છે : " ... હું માનું છું કે જેને
સારાં પુસ્તકો વાંચવાનો શોખ છે તે ગમે તે જગ્યાએ એકાંત સહેલાઈથી વેઠી શકે છે.
" ('મારો
જેલનો અનુભવ', નવજીવન
પ્રકાશન મંદિર, ત્રીજી
આવૃત્તિ, ૧૯૫૯,
પૃ.૨૧) આમ, ક્યારેક એકાંતયોગ સાંપડે ત્યારે
ગ્રંથ-વાચન જ એકાંતયોગ્ય પ્રવૃત્તિ બની જાય છે. પુસ્તક-વાચનની સાથે કાગળ-કલમની
યુગલબંધી રાખ્યા વગર ચેન પડે નહીં. રસભંગ થાય તો પણ વહેતાં વાચને પુસ્તકની અગત્યની
વિગતો નોંધવાની આદત ઝટ ટળે તેમ નથી.
સભ્ય-સમાજમાં પુસ્તક-વાચન સાથે
પુસ્તક-વેચાણ પણ વધવું જોઈએ. એટલે જ પુસ્તકો ખરીદીને વાંચવાં તેમ જ વાંચીને
ખરીદવાં ગમે છે. ઘરમાં પહેલાં જગ્યા માટે પુસ્તકો ફાળવીને અને હવે પુસ્તકો માટે
જગ્યા ફાળવીને પુસ્તકનો મુલક વિસ્તારતો રહું છું. જાળવણી માટે પુસ્તકોને પૂંઠાં
ચઢાવવાનું ગમે છે. માતા-પિતાએ અને શિક્ષકોએ બાળકોને અને વિદ્યાર્થીઓને પુસ્તક-આવરણ
કૌશલ્ય શીખવવા જેવું છે. જોકે નોટબૂક કમ્પ્યુટર અને ફેસબૂક નેટવર્કના આધુનિક
જમાનામાં ચોપડીઓને કપડાં પહેરાવવાની કળા લુપ્ત થતી જાય છે. પુસ્તકોનું સ્વચ્છ-સુઘડ
વસ્ત્ર-પરિધાન કરવા માટે એવા કાગળની પસંદગી કરું છું, જેના ઉપર અભિનેતા-અભિનેત્રીની 'રંગીન' તસવીરો ન હોય. જેમનું ખુદનું શરીર
ઢંકાયેલું ન હોય એવાં નટ-નટીની તસવીરોવાળો કાગળ પુસ્તકોને તો કેવી રીતે ઢાંકી શકે?!
વિદ્યાર્થીઓને અને મિત્રોને ત્યાં
શુભ-લાભ પ્રસંગે મોટા ભાગે પુસ્તકોની ભેટ આપવાનું ગમે છે. પુસ્તક-મેળાની મુલાકાત
લેવાની મોજ પડે છે. એક વખત તો વિદ્યાર્થીઓને લઈને વિશ્વ પુસ્તક-મેળો જોવાનો અવસર
મળ્યો ત્યારે દિલ્હી દૂર નહોતું લાગ્યું! મોલ-મલ્ટીપ્લેક્ષ કરતાં પુસ્તક-ભંડારમાં
રૂબરૂ થવું અનેકગણું વધારે પસંદ છે. જેમણે અમદાવાદમાં પુસ્તકની પરબ સમાન 'ગ્રંથાગાર'માં ગ્રંથ-ગુરુ નાનક મેઘાણી અને
સ્મિત-સૌમ્યા હંસાબહેનનો આવકાર અનુભવ્યો ન હોય એમણે પોતાનો લખ-ચોરાશી ફેરો ફોગટ
ગણાય તો ચિત્રગુપ્ત સાથે તકરાર કરવી નહીં!
કોઈ એક પુસ્તકને સર્વશ્રેષ્ઠ જાહેર
કરતાં ખચકાટ થાય છે. કોઈ પુસ્તકનું સત્ય તો કોઈનું સત્વ હૃદયને સ્પર્શી જાય
છે. કોઈ પુસ્તકની સાદી ભવ્યતા તો કોઈની ભવ્ય સાદગી માનસપટ ઉપર અંકિત થઈ જાય છે.
કોઈ પુસ્તકની માહિતી તો કોઈનો વિચાર ઊડીને આંખે વળગી જાય છે. કોઈ પુસ્તકનું પ્રવાસ-વર્ણન
હરખથી તો કોઈનું વનવાસ-વર્ણન દુઃખથી આંખના ખૂણા ભીંજવી જાય છે. કોઈ પુસ્તકનું
પ્રસંગ-નિરૂપણ તો કોઈની ભાષા-શૈલી મજા કરાવી જાય છે. કોઈ પુસ્તકનાં પાત્રાલેખન તો
કોઈનાં ચિત્રાલેખન ઉપર વારી જાઉં છું. કોઈ પુસ્તકનાં વ્યંગબાણ તો કોઈનાં
વ્યથા-વીતકથી વીંધાઈ જવું ગમે છે.
મકાન-બાંધકામની યોજનામાં બે શયનખંડ
કરતાં એક પુસ્તકખંડ હોય તો વધુ ગમે. શયનખંડ નિરાંતે સૂઈ રહેવા માટે તો પુસ્તકખંડ
નિરંતર જાગતાં રહેવા માટે ઉપયોગી પુરવાર થાય છે. ઘરમાં પ્રાર્થના-પૂજાના ખૂણા
જેટલી જ પવિત્રતા ધરાવતો પુસ્તકોનો ખૂણો છે. વાસણ મૂકવાની છાજલી જેટલી જ અગત્યની
પુસ્તક મૂકવાની છાજલી છે. કપડાં રાખવાના કબાટ જેટલી જ ઉપયોગિતા પુસ્તકો રાખવાના
કબાટની છે. કોઈ પુસ્તકની ઉપર ચા-કૉફીનો કપ મૂકીને કૂંડાળાં કરે, પુસ્તકની અંદર પેન-પેન્સિલ મૂકે,
પુસ્તકનાં પાનાં ઉપર
લીટી-લીટા તાણે, પુસ્તકનું
ભૂંગળું વાળે, પુસ્તકની
ઝાપટથી માખી-મચ્છર મારે કે પુસ્તકને ભોંય ઉપર પટકે ત્યારે વ્યથા સિવાય કશું
પહોંચતું નથી. એમાં પણ કોઈ પુસ્તકમાંથી પાનાં ફાડેલાં જોઉં છું ત્યારે આત્મા
ચિત્કારી ઊઠે છે. જોકે આમાં સાવ નવાઈ પામવા જેવું નથી. જે સમાજ પુત્રીઓને જન્મતાં
પહેલાં જ ગર્ભાશયમાંથી ખેંચી મારે, એ પુસ્તકનાં પાનાં તો ખેંચી જ શકે!
પિતાની આંગળી પકડીને પુસ્તકો પીતાં
શીખ્યો છું. આજે પુત્રીને હાથમાં પુસ્તકો રમાડવા આપું છું. સસરા સાથે
ઊઠતાં-બેસતાં મોટા ભાગે પુસ્તકો સંભળાવું છું. પત્ની સાથે જમતાં-જમતાં આખા દિવસનાં
પુસ્તકો વાગોળું છું. એ પણ સ્વીકારવું ગમે કે કેટલાંક કુટુંબીઓ, પરિચિતો, મિત્રો, વિદ્યાર્થીઓ, અને શિક્ષકોએ વાચનયાત્રાને
યોગ્ય દિશા અને તેજ ગતિ આપી છે. ઘરની ઓસરીથી શરૂ થઈને ગ્રંથાલયના સંદર્ભ વિભાગ
સુધી વિસ્તરેલી પુસ્તક-સોબત નિત્યનવીન આનંદ આપતી રહી છે. કોઈ ઉન્નત-ભ્રૂ
જલસા-મંડળી (એલિટ ક્લબ)નું સભ્યપદ ધરાવવાથી જ મોભો વધે, એમાં માનતો નથી. આપણી આબરૂ માત્ર
શાખ-પત્ર(ક્રેડિટ-કાર્ડ)થી નક્કી થાય એ મંજૂર નથી. પણ હા, વિવિધ ગ્રંથાલયોના સભ્ય થવું ગમે છે.
પુસ્તકાલયોનાં ઓળખ-પત્રોથી ખિસ્સું ભર્યું-ભર્યું બને પછી વિશેષ ઓળખની અને ઓળખની
વિશેષ જરૂર જણાતી નથી. પુનર્જન્મ કે પશ્ચાત-જીવનમાં માનતો નથી. પરંતુ, સ્વર્ગ કરતાં નર્કનું ગ્રંથાલય વધુ
સમૃદ્ધ હોય તો આ જીવન બાદ આજીવન નરકમાં રહેવાની આપણી તૈયારી છે! સ્વર્ગમાં ગયેલા
મિત્રોને આપણી ઇર્ષ્યા આવે તો એ લોકો યમરાજાને બે નકલમાં સ્થાનબદલી માટેની
અરજી ભલે કરે!