Wednesday, February 20, 2013

ગૂજરાત વિદ્યાપીઠ : સાદગીપૂર્ણ જીવનશૈલી થકી કેળવણી

ડૉ. અશ્વિનકુમાર 
પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિભાગ, ગૂજરાત વિદ્યાપીઠ,
આશ્રમ માર્ગ, અમદાવાદ : ૩૮૦ ૦૧૪
.................................................................................................................................

મહાત્મા ગાંધીજી સ્થાપિત ગૂજરાત વિદ્યાપીઠ એટલે ભવ્ય વારસો ધરાવતું અને જીવનને સાદગીભર્યાં વરસો આપતું કેળવણી-કુળ. આ સંસ્થાનાં વિચાર,વાતાવરણ, અને વ્યવહારમાં આજે પણ સાદાઈની હાજરી ભાળી શકાય છે. અહીં અધ્યયન અને અધ્યાપન, કાંતણ અને ભાષણ, યોગ અને ઉદ્યોગ આપણને સાદગીનો સૂર સંભળાવે છે.

ગૂજરાત વિદ્યાપીઠના એક ધ્યેય મુજબ કેળવણીનો ક્રમ ઘડવામાં ગ્રામવાસીઓની હાજતોને પ્રધાનપદ આપવામાં આવે છે. વિદ્યાપીઠની બાંધણી અને ગૂંથણી ધર્મ-જ્ઞાતિ, રંગ-લિંગ, ભાષા-ભૂમિના ભેદથી પર છે. અહીં ઔદ્યોગિક શિક્ષણને બૌદ્ધિક શિક્ષણ જેટલું જ અગત્યનું ગણવામાં આવે છે. રોજિંદા ક્રિયા-ક્રમમાં શારીરિક શ્રમને ખાસ સ્થાન આપવામાં આવ્યું છે. રાષ્ટ્રપિતાના શિક્ષણતીરથમાં આજે પણ રેંટિયા અને સાવરણા સ્વાશ્રય અને સ્વમાનના જીવતા નમૂના છે. આ સઘળી વ્યવસ્થા વ્યક્તિને સાદગીપૂર્ણ નીતિ-રીતિ તરફ લઈ જાય છે. 

અહીં વિદ્યાર્થીઓ બાલમંદિરમાં પા પા પગલીથી માંડીને મહાવિદ્યાલયમાં વિદ્યાવાચસ્પતિની સંશોધન-પદવી સુધી સાદગીના પાઠ નિરંતર ભણતા રહે છે. સંસ્થાના સેવકો ખાદીનો પહેરવેશ ધારણ કરે છે તો વિદ્યાર્થીઓ માટે ખાદીનો ગણવેશ નક્કી કરવામાં આવ્યો છે. ઉચ્ચ વિચારથી આકર્ષાઈને આવતાં પરદેશી બહેનો-ભાઈઓ અહીં સાદું જીવન જીવી જાણે છે. સંસ્થાના પરિસરમાં તેઓ વસ્ત્રથી માંડીને વર્તણૂક સુધી સાદાઈને આવકારે અને સ્વીકારે છે. 

વિવિધ અભ્યાસક્રમોમાં પ્રવેશપાત્ર વિદ્યાર્થીઓ વિદ્યાપીઠના વર્ગખંડોમાં ઢાળિયાં અને આસનિયાં લઈને ભણે છે. ભોંય ઉપર બેસીને સાદાઈથી અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ એ રીતે તળની વાસ્તવિકતા સાથે જોડાયેલા રહે છે. 

વિદ્યાપીઠમાં સાદાઈને વરેલું છાત્રાલય-જીવન અનિવાર્ય છે. અહીં વિદ્યાર્થીઓ સમૂહજીવનની ભાવનાથી જીવે છે. પરિણામે પ્રદેશના દરેક ખૂણેથી આવતા વિદ્યાર્થીઓના ખૂણા ઘસાય છે. વિદ્યાપીઠની કેળવણી આજની જીવનશૈલીમાં વ્યક્તિ, સમષ્ટિ અને સૃષ્ટિ સાથે સંવાદિતા માટેની ભૂમિ તૈયાર કરી આપે છે. ચોવીસે કલાક, સાતે દિવસ અને એમ નિરંતર કેળવણી વિદ્યાર્થીઓમાં ચરિત્રનિર્માણ માટેનાં મૂલ્યોનાં મૂળિયાં ઊંડાં નાખે છે. 

અહીં મસ્તકની સાથેસાથે હૃદયની અને હાથની કેળવણી પણ આપવામાં આવે છે. વિદ્યાર્થીઓમાં આવતું સમજપરિવર્તન છેવટે સમાજપરિવર્તનમાં પરિણમે છે. આનો દેખાડવા જેવો દાખલો ગૂજરાત વિદ્યાપીઠની ‘ગ્રામશિલ્પી યોજના’ છે. જેમાં સાદગીને જીવન-મૂલ્ય તરીકે સ્વીકારનારા સ્નાતકો ગામડાંમાં બેસવાનો અને એ રીતે ગામડાંને બેઠાં કરવાનો પડકાર ઝીલે છે. ગ્રામશિલ્પીઓ પાસે સાધનો ટાંચાં છે પણ તેમની સાધનશુદ્ધિ ટોચે છે. 

અહીંની સાદગીસભર શિક્ષણ-વ્યવસ્થા કુદરતી સ્રોતો અને સંસાધનોનો સમજણપૂર્વક સંચય અને વિવેકપૂર્ણ ઉપયોગ કરવાનું કહે છે. સંસ્થામાં ‘ખંભાતી કૂવા’ થકી જળસંચય કરવામાં આવે છે અને સૂર્યઊર્જા-પ્રકલ્પ વાટે વીજ-ઉત્પાદન કરવામાં આવે છે. અહીં ધાબા-ખેતી દ્વારા શાકભાજી પેદા કરવામાં આવે છે તો કચરામાંથી સજીવ ખાતર પણ તૈયાર કરવામાં આવે છે. 

ગાંધીજીએ ‘સત્યના પ્રયોગો’ નામની આત્મકથામાં મેનૂ માટે‘વાનીઓનો ખરડો’ જેવો નોખો શબ્દપ્રયોગ કર્યો છે. ગૂજરાત વિદ્યાપીઠનાં છાત્રાલયોમાં મુકરર કરેલો‘વાનીઓનો ખરડો’ જોઈએ તો સાદા ભોજનની સહજ સ્વીકૃતિ છે. છાત્રાલયોમાં ખોરાકનો બગાડ ન થાય એ માટે સંચાલકો અને વિદ્યાર્થીઓ સાવધ અને જાગ્રત છે. 

ગૂજરાત વિદ્યાપીઠની કેળવણી અંગતની સાથેસાથે જગત સારુ અને વ્યક્તિની સાથેસાથે સૃષ્ટિ સારુ સમજ ઊભી કરવાનું શીખવે છે. દરેકની આસ્થાનું અને એ પ્રમાણે સમગ્ર સંસ્થાનું પર્યાવરણ-સહૃદયી તત્વ અને તંત્ર સાદગીપૂર્ણ જીવન-શૈલીનો સંદેશો આપે છે.
 
.................................................................................................................................
દસ્તાવેજી ચલચિત્ર માટે લેખન :
 ડૉ. અશ્વિનકુમાર
પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિભાગ, ગૂજરાત વિદ્યાપીઠ, આશ્રમ માર્ગ, અમદાવાદ : ૩૮૦ ૦૧૪ //
(ચોવીસ ડિસેંબર, બે હજાર બાર)

No comments:

Post a Comment