Sunday, February 3, 2013

રતિલાલ : બોધિસાગર

અશ્વિનકુમાર
પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિભાગ,
ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ - ૩૮૦ ૦૧૪

..............................................................................

રતિલાલ બોરીસાગર 
Photograph : Dr. Ashwinkumar / 
છબી : ડૉ. અશ્વિનકુમાર

આ જીવના માનસ-સરોવરમાં રતિલાલ બોરીસાગરનું જે પ્રતિબિંબ ઝીલાયેલું તે કેવળ હાસ્યલેખકનું. એમને ક્યારેક ક્યારેક વાંચેલા અને ક્યાંક ક્યાંક સાંભળેલા. વળી, આપણે સ્વભાવે શંકાશીલ નહીં. એટલે તેઓ શિક્ષક પણ હોઈ શકે એવો શક તો ક્યારેય પડ્યો જ નહોતો. જોકે, હંમેશની પેઠે આ વખતે પણ ખોટા પડવાનું બન્યું. રતિલાલ બોરીસાગર સમ પૂરતા નહીં, પણ પૂરતા સક્ષમ શિક્ષક છે. તેમના શિક્ષકત્વની પાકી પહોંચ 'માતૃભાષાકૌશલ પ્રમાણપત્ર અભ્યાસક્રમ' થકી મળી. ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ દ્વારા ૨૯-૦૭-૨૦૧૦થી શરૂ થયેલા આ પ્રકારના પ્રથમ અભ્યાસક્રમના આરંભ-દિનના ગણેશ-વ્યાખ્યાનથી જ બોરીસાગરસાહેબે શુદ્ધ અને સમૃદ્ધ ગુજરાતી વાટે 'માતૃભાષાનું મહત્ત્વ' સ્થાપી આપ્યું. તેઓ ગુજરાતી ભાષામાં લખે છે, છતાં ગાંધીગિરાના આટલા અચ્છા જાણકાર છે એ જાણીને આનંદનો ઓડકાર અનુભવ્યો. તેઓ માતૃભાષા વિશે ચક્કરચક્કર નહીં પણ નક્કર વિચારો રજૂ કરે છે.

બોરીસાગરસાહેબની કેટલીક વિશેષતાઓની નોંધ લેવી જ રહી. તેઓ બરાબર સ્વાધ્યાય કરીને વર્ગખંડમાં આવે છે. રમૂજનાં ઝરણાં વચ્ચે પણ વિષય-ગાંભીર્યનો ગોવર્ધન-પર્વત બરાબર ઊંચકી જાણે છે. રમૂજથી સમજ વિસ્તારે એ શિક્ષકનું નામ રતિલાલ બોરીસાગર હોય એમાં આશ્ચર્યને અવકાશ ન રહેવો જોઈએ. તેમના વ્યાખ્યાનમાં વિષયપ્રવેશથી માંડીને વિષયસમાપન સુધીના તબક્કા સહજપણે આવે છે, જાય છે. તેઓ કસદાર અવતરણો અને રસદાર ઉદાહરણો આપે છે. આપણી ગુજરાતી ભાષામાં 'અનુસ્વાર' એ જાણવા-સમજવા અને શીખવા-શીખવવા માટેનો અઘરો વિષય-પ્રદેશ છે. અંગ્રેજી ભાષામાં અનુસ્વાર ન હોવાથી અમને ગુજરાતી કરતાં અંગ્રેજી ભાષા લખવી સહેલી લાગે છે! અમને મોટાં માથાં નડ્યાં નથી, પણ આ નાનાં મીંડાંએ બહુ પજવ્યાં છે. અભ્યાસગાળા દરમિયાન અમે બોરીસાગરસાહેબને કહ્યું હતું : "અશ્વસવારી કરતાં અનુસ્વારી કરવી જોખમી છે!" જોકે, તેમણે અતિ ઝીણવટથી અનુસ્વારના નિયમો શીખવ્યા છે. સાદા, સરળ, સચોટ દૃષ્ટાંતથી અમને ક્યાં અનુસ્વાર મૂકવા અને ખાસ તો ક્યાં અનુસ્વાર ન મૂકવા એ અંગે સજાગ-સાવધ કર્યા છે. માતૃભાષા-કૌશલના એક વ્યાખ્યાનમાં તેમણે સુંદરમના 'અનુસ્વાર-અષ્ટક'નો રસાસ્વાદ કરાવ્યો હતો. આ જ રીતે બોરીસાગરસાહેબે કયા ઘટકો ભેગા લખાય અને કયા છૂટા લખાય એ વિશે પણ વિગતે વાત માંડી હતી. પરિણામે, હવે અમે આ મુદ્દે ઠીકઠીક (જુઓ, 'ઠીકઠીક'માં વચ્ચે જગ્યા છોડી નથી!) ભાનકારી ધરાવતા થયા છીએ.

શિક્ષક વર્ગખંડમાં વિદ્યાર્થીને એકવાર સાંભળે તો વિદ્યાર્થી જીવનખંડમાં શિક્ષકને આજીવન સંભારે છે. વધતી ઉંમરે, બોરીસાગરસાહેબ કદાચ ઓછું સાંભળતા હોય એવું બને. પણ આ માટે શ્રવણેન્દ્રિયનું તંત્ર જવાબદાર હશે, તત્ત્વ નહીં! તેઓ મ્યાન થઈને, ધ્યાન દઈને વિદ્યાર્થીઓને સાંભળે છે. આ માટે વિદ્યાર્થીઓ વર્ગખંડમાં જ હોવા જરૂરી નથી. કેટલીક વખત અમે કાયમી ચા-ગલ્લાને કામચલાઉ ચર્ચા-કેન્દ્રમાં ફેરવીને છૂટકછૂટક સવાલો જથ્થાબંધ માત્રામાં પૂછતા. તેઓ ગંભીરપણે 'જવાબ'દારી નિભાવતા. તેમની સાથે (અલબત્ત, તેમના જ પૈસે!) ચા પીતાંપીતાં ભાષાચર્ચા અને ભાષાચર્યા કરવાની ભારે મોજ પડી છે.

કોઈ લેખક જ્યારે વર્ગખંડમાં શિક્ષકના વેશે પ્રવેશે ત્યારે કેટલીક ઘટના આકાર લેવાની જ. જેમ કે, તેઓ પોતાનાં લેખો-પુસ્તકોની વાતો કર્યા કરે, વાચકોની પ્રશંસાભરી પ્રતિક્રિયાને જ વધારીને રજૂ કરે, સંસ્થા કે સરકારથી મેળવેલાં પારિતોષિકોનો અકારણ ઉલ્લેખ કરે, દેશ-વિદેશના કરેલા પ્રવાસને પરાણે યાદ કરે. રતિલાલ બોરીસાગર આ મામલે સુખદ અપવાદ છે. તેઓ વિદ્યાર્થીઓને પોતાની વીરગાથાનું રસપાન કરાવતા નથી. તેઓ તો બસ પોતાનું જ્ઞાન સહજ રીતે પ્રગટ થવા દે છે. ભાષાના શિક્ષણ વિશેના તેમના સાગર સમા ઊંડા જ્ઞાનથી તેમને રતિલાલ બોધિસાગર તરીકે નવાજીએ એમાં નવાઈ શેની હોય?

શિક્ષણ તો ભાર વિનાનું થતાં થશે. શિક્ષકો ભાર વગર હળે-મળે એ જરૂરી છે. રતિલાલ બોરીસાગર ગમે ત્યારે, ગમે ત્યાં મળી શકાય એવા ભારવિહીન શિક્ષક છે. તેઓ સદાય હળવા મિજાજમાં હોય છે. તેમને મળીને વિદ્યાર્થી પણ હળવાશનો અનુભવ કરી શકે છે. 'એન્જોયગ્રાફી'ના આ લેખક સાચે જ ખુલ્લા હૃદયના શિક્ષક છે!

..............................................................................
સૌજન્ય :

લેખ-શીર્ષક : આપણા બોરીસાગરસાહેબ!
પુસ્તક : 'અમારા બોરીસાગરસાહેબ'
સંપાદક : ભિખેશ ભટ્ટ
પ્રકાશક : વિદ્યાગુરુ શ્રી રતિલાલ બોરીસાગર સાંસ્કૃતિક પ્રતિષ્ઠાન,
સાવરકુંડલા - ૩૬૪ ૫૧૫, જિલ્લો : અમરેલી
પ્રથમ આવૃત્તિ જાન્યુઆરી, ૨૦૧૧
પૃષ્ઠ : ૦૭-૦૮

1 comment: