Tuesday, February 5, 2013

ગાંધીના સંગમાં સરદારના વ્યંગ

અશ્વિનકુમાર
-----------------------------------------------------------------------------

Courtesy : google image 

ગાંધીજી અને સરદાર વચ્ચે લગભગ ત્રીસ વર્ષનો સુવાસભર્યો સહવાસ છે. પ્રારંભમાં મોહનદાસને વલ્લભભાઈ 'અક્કડપુરુષલાગે છે. ગોરંભમાં એ જ સરદાર ગાંધીજીનો 'જમણો હાથબની રહે છે. ૯-૧-૧૯૧૫ના રોજ વતન-વાપસી બાદ બહુ થોડા વખતમાં ગાંધીજીને 'મહાત્માજી'નું બિરુદ મળ્યું હતું. એ વેળાએ વલ્લભભાઈએ ટીકા કરી હતી કે, "આપણે ત્યાં મહાત્માઓ બેસુમાર છે." ('ગાંધી'સ ટ્રુથ', એરિક એરિક્સનપૃ. ૯૦) આ જ વલ્લભભાઈ ગાંધીવિદાયના આઘાતમાં ૯-૨-૧૯૪૮ના રોજ નરહરિ પરીખને પત્રમાં લખે છે : "આપણે માથેથી છત્ર ચાલી ગયું." ('સરદારશ્રીના પત્રો - ૪', પૃ. ૩૬૫)

ગાંધી-સરદાર સંબંધ વિશે કાકાસાહેબ કાલેલકર 'ગાંધીપરિવારના જ્યોતિર્ધરો'માં નોંધે છે : "ગાંધીજી અને સરદાર વલ્લભભાઈએ એકબીજાને બરાબર ઓળખ્યા. બંનેને આનંદ હતો કે આપણને એક સારા લગભગ સમાનધર્મી મળી ગયા. સરદાર વલ્લભભાઈમાં ચારિત્રની ઊંચાઈ ન હોત તો ગાંધીજી એમને પોતાનો 'જમણો હાથન બનાવત. ગાંધીજીમાં તેજસ્વિતા અને તીવ્ર દેશભક્તિ ન હોત તો વલ્લભભાઈ જેવા માની પુરુષ એમના સિપાહી ન બનત. બંનેમાં આદર્શની સમાનતા ન હોત તો ત્રીસ વરસ સુધી બંનેનો આટલો ઘનિષ્ઠ સહયોગ ચાલી ન શક્યો હોત."

સરદાર વ્યક્તિ તરીકે પાક્કા છેઅભિવ્યક્તિમાં એક્કા છે. પાંચ ફૂટ સાડા પાંચ ઇંચ જેટલી ઊંચાઈ અને એકસો છેતાળીસ રતલ આસપાસનું વજન ધરાવતા વલ્લભભાઈ પાસે અમર્યાદિતઅસાધારણઅજોડ વિનોદવૃત્તિ છે. તેમની લાયકાત અને વકીલાતથી એમનાં વાણી-વર્તનમાં વ્યંગરંગ ભળે છે. સરદારમાં નિર્ભયતાનેતૃત્વશક્તિનિખાલસતા છે. વ્યંગના ચાબૂક મારવા માટે આટલા ગુણો પૂરતા છે! મો.ક.ગાં. કરતાં વ.ઝ.પ. ઉંમરમાં છ વર્ષ અને ઓગણત્રીસ દિવસ નાના છે. સરદાર માટે ગાંધીજી સાથે વિનોદ-વિહાર કરવા આટલું વયઅંતર પૂરતું ઓછું અને પ્રમાણમાં સલામત છે! 'વિનોદ-વલ્લભસરદાર લોકજીવનની વાસ્તવિકતા પણ જાણે છે અને ગાંધીજીવનની નિકટતા પણ માણે છે. મો. ક. ગાંધી સાથે મોકળાશ અનુભવનાર વલ્લભભાઈ સત્યના પ્રયોગવીર સામે વ્યંગના પ્રયોગો કરી શકે છે. કારણ કેગાંધીજી હસી શકે છેસહી શકે છે!

મોહન-વલ્લભ-મહાદેવના ત્રિવેણી સંગમમાંયરવડામંદિર સાચે જ દિવ્ય-ભવ્ય-નવ્ય જણાય છે. મહાદેવભાઈની રોજ-નોંધમાં સરદારના વ્યંગ-રૂપનું મનોહર દર્શન કરી શકાય છે. 'સરદાર : એક સમર્પિત જીવન'ના લેખક રાજમોહન ગાંધીના મતાનુસાર, " ... આ ડાયરીમાં વલ્લભભાઈનું જીવંત સ્વરૂપ જોવા મળે છેતેટલું બીજે કશે મળતું નથી ... " (પૃ. ૨૧૩) જાન્યુઆરી૧૯૩૨થી મે૧૯૩૩ સુધીના ગાંધીસોબતના સોળ માસના જેલ-જીવનમાં સરદારની વિનોદ-ચાંદની સોળે કળાએ ખીલેલી અનુભવી શકાય છે. જેલવાસ દરમિયાન ગાંધીજી માટે ખજૂર ધોવાનુંદાતણ કૂટવાનુંસોડા બનાવવાનું ... વગેરે કામ વલ્લભભાઈએ દિલથી સ્વીકાર્યું હતું.

'મહાદેવભાઈની ડાયરી'ના પહેલા ભાગમાં નોંધ છે : વલ્લભભાઈ બાપુને હસાવવામાં બાકી નથી રાખતા. આજે પૂછે : "કેટલાં ખજૂર ધોઉં?" બાપુ કહે : "પંદર." એટલે વલ્લભભાઈ કહે : "પંદરમાં અને વીશમાં ફેર શું?" બાપુ કહે : "ત્યારે 'દશ.' કારણ દશમાં અને પંદરમાં ફેર શું?" (પૃ. ૯) જમી રહ્યા પછી વલ્લભભાઈ હમેશની જેમ દાતણ કૂટીને તૈયાર કરવા બેઠા. પછી કહે : "ગણ્યાગાંઠ્યા દાંત રહ્યા છે તોપણ બાપુ ઘસ ઘસ કરે છે. પોલું હોય તો ઠીક પણ સાંબેલું વગાડ વગાડ કરે છે." (પૃ. ૧૩) વલ્લભભાઈની ગમ્મત આખો દિવસ ચાલતી જ હોય. બાપુ બધી વસ્તુમાં 'સોડાનાખવાનું કહે છે. એટલે વલ્લભભાઈને એ એક મોટો મજાકનો વિષય થઈ પડ્યો છે. કંઈક અડચણ આવે એટલે કહે : "સોડા નાખોની!" અને એની હાસ્યજનકતા બતાવવાને સારુ  ... વૈદ્યના નેપાળાની વાત કરીને ખૂબ હસાવ્યા. (પૃ. ૧૪)

ગાંધીજી જેલમાં ક્યારેક મોડે સુધી બેસીને બહુ કાગળો લખાવતા. આ અંગે મહાદેવભાઈ નોંધે છે : "વલ્લભભાઈ પણ હવે મંત્રીની પદવીએ ચઢ્યા અને ઢગલા કાગળો ઉકેલવામાં મદદ કરવા લાગ્યા. એમને તો પાછું મનગમતું કામ. એમના વિનોદનો ફુવારો તો ચાલતો જ હોય. કોઈના કાગળમાં જોયું કે સ્ત્રી કુરૂપ છે એટલે ગમતી નથી, એટલે તુરત બાપુને કહે : "લખોની કે આંખ ફોડી નાખીને એની સાથે રહે, એટલે કુરૂપ જોવાનું નહીં રહે!" "(મહાદેવભાઈની ડાયરીભાગ-૨પૃ. ૨૭૫)

સરદાર પાસે સચોટ તળભાષા જીભવગી છે. ગાંધીજી કહે છે : "વલ્લભભાઈની ખેડૂતી ગુજરાતી તેની પાસેથી કોઈ હરી જ ન શકે." (કિ. ઘ. મશરૂવાળાને પત્ર૨૧-૯-૧૯૩૨, 'ગાંધીજીનો અક્ષરદેહ', ૫૧:૧૨૦) આ જ રીતે સરદારના વિનોદ-સામર્થ્ય વિશે ગાંધીજી 'હરિજન' (૨૫-૨-૧૯૩૩)માં લખે છે : " ... મારી પાસે સરદાર વલ્લભભાઈ પટેલ રૂપે એક લાડકો વિદૂષક છે. તેઓ મને પોતાની અણધારી ગંમતની  વાતોથી હસાવીને લગભગ બેવડ વાળી દે છે. તેમની હાજરીમાં ખિન્નતા પોતાનું ભૂંડું મુખ છુપાવીને ભાગી જાય છે. ગમે તેવી ભારે નિરાશા પણ તેમને લાંબો વખત ઉદાસ રાખી શકતી નથી અને તેઓ મને એકથી બીજી મિનિટ માટે ગંભીર રહેવા દેતા નથી. તેઓ મારા 'સાધુપણા'ને પણ છોડતા નથી! ... " ('ગાંધીજીનો અક્ષરદેહ', ૫૩:૪૫૦)

સરદાર ખિન્ન નહીં, પ્રસન્ન રહેવા માટે સર્જાયેલા છે. ગાંધીકથાકાર નારાયણ દેસાઈ 'મને કેમ વીસરે રે?'માં લખે છે : "સરદારનો વિનોદ એમની આંતરિક પ્રસન્નતામાંથી સ્ફૂરતો. અલબત્ત એ કોઈ વાર સામાને દઝાડે એવો આકરો પણ થઈ જતો. કદાચ વકીલાતના જમાનાના એ સંસ્કાર હશે. પરંતુ કઠોર ગણાતા સરદારના હૃદયમાં જો વિનોદ અને હાસ્યરસનાં ઝરણાં ન હોત તો જીવનની આટઆટલી આકરી કસોટીઓમાંથી પાર ન ઊતર્યા હોત." આપણે સરદારના જીવનમાંથી એટલું તો પામીએ કે  હાસ્ય એ જિંદગી જીવવાનું રહસ્ય છે.

આજના  મોટા ભાગના  લોકનેતાઓનાં વિચાર-વાણી-વર્તન ઓછા હાસ્યપ્રેરક અને વધારે હાસ્યાસ્પદ છે. સરદાર જેવો વિનોદ પ્રગટાવવા માટે અણીશુદ્ધ ચારિત્રતળનો સંપર્કસમસ્યાની સમજણલોકભાષામાં અભિવ્યક્તિ અને ગાંધીજી જેવા જીવન-કવનનો સંગ પણ જોઈએ!

-----------------------------------------------------------------------------
સંદર્ભ-સૂચિ :

Erikson, Erik.(1970).Gandhi's Truth : On the Origins of Militant Nonviolence. Faber and Faber Limited : London.

કાલેલકર, કાકાસાહેબ.(૧૯૭૫).ગાંધીપરિવારના જ્યોતિર્ધરો.નવજીવન પ્રકાશન મંદિર : અમદાવાદ.

ગાંધીમોહનદાસ(૧૯૭૮).ગાંધીજીનો અક્ષરદેહ(ગ્રંથ ૫૧).નવજીવન પ્રકાશન મંદિર : અમદાવાદ.

ગાંધીમોહનદાસ(૧૯૭૮).ગાંધીજીનો અક્ષરદેહ(ગ્રંથ ૫૩).નવજીવન પ્રકાશન મંદિર : અમદાવાદ.

ગાંધીરાજમોહન(૨૦૧૦).સરદાર પટેલ : એક સમર્પિત જીવન (અનુવાદક : નગીનદાસ સંઘવીપહેલી આવૃત્તિ૧૯૯૪અગિયારમું પુનર્મુદ્રણ૨૦૧૦).નવજીવન પ્રકાશન મંદિર : અમદાવાદ.

દેસાઈનારાયણ(૧૯૮૬).મને કેમ વિસરે રે?. બાલગોવિંદ પ્રકાશન : અમદાવાદ.

પટેલ, મણિબહેન(સંયોજક-સંપાદક)(૧૯૮૧).સરદારશ્રીના પત્રો – ૪ : બાપુ, સરદાર અને મહાદેવભાઈ (જન્મશતાબ્દી ગ્રંથમાળા – ગ્રંથ ચોથો)(પહેલી આવૃત્તિ, ૧૯૭૭; ત્રીજી આવૃત્તિ, ૧૯૮૧)સરદાર વલ્લભભાઈ પટેલ સ્મારક ભવન : અમદાવાદ.

પરીખનરહરિ(સં.)(૧૯૪૮).મહાદેવભાઈની ડાયરી પુસ્તક પહેલું.નવજીવન પ્રકાશન મંદિર : અમદાવાદ.         

પરીખનરહરિ(સં.)(૧૯૪૯).મહાદેવભાઈની ડાયરી પુસ્તક બીજું.નવજીવન પ્રકાશન મંદિર : અમદાવાદ.
-----------------------------------------------------------------------------

સૌજન્ય : 

'દિવ્ય ભાસ્કર', ૧૫-૧૨-૨૦૧૦, બુધવાર, 'કળશ' પૂર્તિ : 'સરદાર વિનાનાં સાઠ વર્ષ', પૃષ્ઠ : ૦૪

પુનર્મુદ્રણ : ગ્રામનિર્માણ, ઓક્ટોબર, ૨૦૧૧થી માર્ચ, ૨૦૧૨, અંક : ૦૭, પૃષ્ઠ : ૦૭-૦૮
http://www.khadigujarat.in/pdf/07-gram-nirman-octo-2011-march-2012-(Y-36).pdf

No comments:

Post a Comment