Friday, February 15, 2013

'ગાંધીના ટપાલી' : જિતેન્દ્રભાઈ દેસાઈ


અશ્વિનકુમાર
વ્યાખ્યાતા
પત્રકારત્વ અને સમૂહ-પ્રત્યાયન વિભાગ
ગૂજરાત વિદ્યાપીઠ
અમદાવાદ : ૩૮૦ ૦૧૪

જિતેન્દ્ર ઠાકોરભાઈ દેસાઈ અને નવજીવન પ્રકાશન મંદિર એક પાનાની બે બાજુ હતાં. એમના વધુ, વધુ અને વધુ પરિચયમાં આવનાર માટે તેઓ જિતેન્દ્ર દેસાઈ, જિતેન્દ્રભાઈ અને છેવટે જિતુભાઈ બની રહેતા. લોકો ભલે એમને મુદ્રણ-પ્રકાશનના માણસ ગણાવે, જિતુભાઈ પોતાને 'ગાંધીના ટપાલી' ગણાવવાનું પસંદ કરતા. એ વ્યક્તિને અભાગી ગણવી જેને જિતેન્દ્રભાઈનો ભેટો થયો હોય અને તેને જિતુભાઈએ કોઈ પુસ્તક ભેટ ન આપ્યું હોય ! જિતેન્દ્રભાઈનું વાચન સાદગીનું, છતાં પસંદગીનું. તેમની સોબતમાં આવનારને વાચનનું વ્યસન થાય જ. જિતુભાઈ સાથે ગાંધી-વિષયક પુસ્તકોની ચર્ચા કરવાની મઝા તો જેમણે માણી હોય  એમને પૂછી જુઓ. તેઓ પુસ્તકનાં વિષયવસ્તુ અને વિશેષતાઓની સાથે લેખકનો 'સાચો' પરિચય, જે તે પુસ્તકની નવજીવનીય પરવાનગી-વિધિ કે પ્રકાશન-પ્રક્રિયા વેળાના 'ખાસ' કિસ્સાની ચર્ચા કરે. જિતુભાઈ લેખકને આડકતરી રીતે એવું કહી દેતા કે, પુસ્તક લખવાનું (જ) કામ તમારું અને છાપવાનું કામ અમારું (જ) !  

ગૂજરાત વિદ્યાપીઠમાં પત્રકારત્વ વિભાગનું હોવું એ જિતેન્દ્રભાઈનું  સપનું હતું. તેમના થકી ગૂજરાત વિદ્યાપીઠને નવજીવન પ્રકાશન મંદિરનું અનુદાન મળ્યું. પરિણામે ગાંધી-સંગાથી પત્રકાર મહાદેવ દેસાઈની જન્મ-શતાબ્દી ટાણે, ઈ.સ.૧૯૯૧-૧૯૯૨માં મહાદેવ દેસાઈ સમાજસેવા મહાવિદ્યાલયમાં પત્રકારત્વ વિભાગનો જન્મ થયો. અનેક વ્યસ્તતા વચ્ચે તેમણે  પત્રકારત્વ વિભાગના માનદ વડા તરીકેની કામગીરી કરી. આ વિભાગનો મૂળ હેતુ વિદ્યાર્થીઓને પત્રકારત્વની એવી સઘન તાલીમ આપવાનો હતો કે જેથી તેઓ પોતાના સ્થાનિક સ્તરેથી અખબાર પ્રકાશિત કરી શકે. આમ, જિતેન્દ્રભાઈ ગ્રામીણ અને પ્રાદેશિક પત્રકારત્વ દ્વારા વિકાસ પ્રત્યાયનની તરફદારી કરતા હતા.

અમે પત્રકારત્વનું શિક્ષણ લઈ રહ્યા હતા એ ઈ.સ. ૧૯૯૩-૯૪થી ૧૯૯૪-૯૫ના સમયગાળામાં, જિતેન્દ્ર દેસાઈને પહેલી વખત જોયા-સાંભળ્યા-મળ્યા એવું સ્મરણ થાય છે. ગુજરાત યુનિવર્સિટીના પત્રકારત્વ વિભાગમાં તેમનું મુલાકાતી વ્યાખ્યાન 'મુદ્રણ અને પ્રકાશન' વિશે હતું. આ લખનારને ફેબ્રુઆરી,૧૯૯૬માં ગૂજરાત વિદ્યાપીઠના પત્રકારત્વ વિભાગમાં વ્યાખ્યાતા તરીકે જોડાવાનું થયું એટલે જિતુભાઈનો સવિશેષ પરિચય થતો રહ્યો. અનુપારંગત કક્ષાએ સંશોધન સારુ, ગાંધીજીના પત્રકારત્વમાં રસ પડ્યો એનું એક નિમિત્ત જિતુભાઈ પણ હતા. ઘણા વખતના અંતરાલ અને અંતરાય બાદ તેમની સાથે છેલ્લી લાંબી મુલાકાત ૧૩-૧૧-૨૦૧૦ના રોજ થઈ. તેમના 'નવજીવન'સ્થિત કાર્યાલયમાં અમે ગાંધીજીનાં જીવન-કવન-સાહિત્ય-પત્રકારત્વ વિશે લગભગ બે કલાક ચર્ચા કરતા રહ્યા. એ મુલાકાતના અંતે તેમણે સહજ રિવાજ પ્રમાણે 'પ્રૂફરીડિંગ કેવી રીતે થાય છે ?' નામની તેમની પરિચય-પુસ્તિકાની સુધારેલી આવૃત્તિ (ઈ.સ.૨૦૧૦) ભેટરૂપે આપી. તેમને જાહેરમાં છેલ્લે ૨૪-૧૧-૨૦૧૦ના રોજ ગુજરાતી વિશ્વકોશ કાર્યાલયના સભાખંડમાં 'ગાંધી, ગાંધી-સાહિત્ય અને તેનો વધતો વ્યાપ' વિષયક વ્યાખ્યાનમાં સાંભળ્યા.કાર્યક્રમ બાદ તેમની સાથે આ વ્યાખ્યાન સંબંધી થોડી ચર્ચા પણ કરી. આટલું ઝીણું માહિતી-કાંતણ કરવાનું એકમાત્ર કારણ એટલું કે, જિતુભાઈની વિદાયથી ગાંધી-વિગત અને ગાંધી-વિચાર વિશેનું ભરોસાપાત્ર પૂછવા-ઠેકાણું કાયમ માટે ખોવાઈ ગયું.

જિતુભાઈનો માતૃભાષા-પ્રેમ બે કાંઠે વહેતી નદી જેવો હતો. તેઓ વિદ્યાર્થીઓનાં અને કેટલાક ખાસ કિસ્સામાં તો વ્યાખ્યાતાનાં લખાણોની ભાષા અને  જોડણી સુધારવાની તક ઝડપી લેતા અને સૂચનો પણ કરતા. તેમનો એવો આગ્રહ કે લેખન-વાચન ટાણે સાર્થ જોડણીકોશ અને ગુજરાતી-હિંદી-અંગ્રેજી શબ્દકોશ હાથવગા હોવા જોઈએ. જિતુભાઈનું અંગ્રેજી નમૂનેદાર હતું. તેમની સાથે અંગ્રેજી શબ્દોના સરળ અને સ્વીકાર્ય ગુજરાતી સમાનાર્થી શબ્દોની ચર્ચાનો પૂડો અંતે મધુર રસ જ ટપકાવતો. તેઓ પત્રકારત્વના વિદ્યાર્થીઓને એકથી વધારે સંખ્યામાં અને એકથી વધારે ભાષાનાં છાપાં વાંચવાનું કહેતા. વિશેષ તો તેઓ દૈનિકોમાં પ્રગટ થતી 'સ્થાનિક', 'નગરનોંધ' કે 'આજે અમદાવાદમાં' જેવી કતાર જોવાનું ખાસ કહેતા. આ મામલે તેમની લાગણી એવી હતી કે વિદ્યાર્થીઓ એ કાર્યક્રમમાં સમયસર પહોંચે અને એનો સંપૂર્ણ અહેવાલ લખે. આ માટે પત્રકારત્વ વિભાગમાં કેટલીક સાઇકલ વસાવવાની તેમની ઇચ્છા હતી.

વિભાગીય હોય કે વ્યક્તિગત,કાગળ-પત્રને એ જ સમયે ફાઇલ કરવાનું, અમને જિતેન્દ્રભાઈએ શીખવ્યું. જેના કારણે કાગળ ન ખોવાય અને તેથી વખતનો બગાડ ન થાય. તેઓ કાગળનાં ન વપરાયેલાં હિસ્સા કે બાજુનો યથાયોગ્ય ઉપયોગ કરતા અને કરાવતા. તેઓ એક વખત ટપાલ-મુસાફરી કરી ચૂકેલા પરબીડિયા ઉપરના સરનામાને પ્રતિ(To)માંથી દ્વારા(From)માં ફેરવવાનું કામ આપણી હાજરીમાં જ કરી બતાવતા હતા. ફોન ઉપર ટૂંકી-ટચ વાત કેમ કરવી એ જિતુભાઈ પાસેથી શીખી લેવા જેવું હતું. સંસ્થાના સેવક તરીકે આપણી નાનકડી અરજીમાં પણ વિનય-વિવેક દેખાવા જોઈએ એવું તે માનતા અને સમજાવતા. ભારેખમ દેખાવ અને ગંભીર ચહેરો ધરાવતા જિતેન્દ્રભાઈને મોઢામોઢ મળીએ ત્યારે એમની સૂક્ષ્મ રમૂજવૃત્તિનો હળવો અનુભવ થાય જ. વાતનો વિષય કે વિષયની વાત ગમે તે હોય જિતેન્દ્રભાઈની પાસે એ બાબતનો એકાદ રમૂજી ટુચકો કે રસપ્રદ પ્રસંગ જીભવગો હોય જ. જિતુભાઈને ગુસ્સે થયેલા જોયા નથી. હા, ક્યારેય આવું બને તો તેમના અવાજમાં કંપનનો  અનુભવ થાય.

જિતેન્દ્રભાઈ જાહેરમાં વ્યાખ્યાન આપવાનું બહુ પસંદ કરતા નહીં. અનિવાર્ય સંજોગો ઊભા થાય તો વિગતો નોંધીને લાવે, મુદ્દાસર બોલે,ટૂંકું બોલે.તેમની મૌખિક રજૂઆત કરતાં લેખિત અભિવ્યક્તિ વધારે બળૂકી હતી. તેઓ લેખનો ઉઘાડ કરવાથી માંડીને તેનું સમાપન કરવા સુધીના તમામ તબક્કામાં ગજબની ચીવટ દાખવતા. પોતાની કલમને બિનજરૂરી વર્ણન-વિશેષણ-વિરામચિહ્નથી દૂર રાખતા. એ વખતે મુંબઈના 'સમકાલીન' દૈનિકમાં તેમની લેખમાળા પ્રગટ થતી હતી. એમની સાથે ચાની ચુસ્કી લેતાં-લેતાં એ લેખોની નિખાલસ અને રસપ્રદ ચર્ચા કરી હોય એવા અનેક યાદગાર દિવસો પત્રકારત્વ વિભાગમાં એ વખતે તો હતા!

ગૂજરાત વિદ્યાપીઠના કુમાર વિનય મંદિરમાં કેળવણી પામેલા જિતેન્દ્રભાઈ ગૂજરાત વિદ્યાપીઠના કુલનાયક પણ થયા.આને કારણે તેમની સાથેની વાતચીત વેળા આપણી આસપાસ રામજીભાઈ વોરાથી માંડીને વિઠ્ઠલદાસ કોઠારી અને મગનભાઈ દેસાઈથી માંડીને મોરારજીભાઈ દેસાઈ જેવાં વ્યક્તિચિત્રો ખડાં થઈ જતાં. જેમાંથી ગૂજરાત વિદ્યાપીઠ જેવી સંસ્થાનાં સ્થાપના, સંઘર્ષ અને સાંપ્રતની છબી વધુ સ્પષ્ટ ભાળી શકાતી હતી. જિતુભાઈના નિધનથી ગાંધીવિચારની જૂની પેઢી સાથે નવી પેઢીને જોડતો તાર તૂટ્યો છે એ સ્વીકારવું જ રહ્યું.

-----------
સૌજન્ય :

લેખ-શીર્ષક : ગાંધીના ટપાલી
સ્મરણગ્રંથ : 'ગાંધી સાહિત્યના સારથિ : જિતેન્દ્ર દેસાઈ'
સંપાદક : કેતન રૂપેરા, કપિલ રાવલ
પ્રકાશક : નવજીવન પ્રકાશન મંદિર, અમદાવાદ
પ્રથમ આવૃત્તિ, મે, ૨૦૧૨
પૃષ્ઠ : ૧૦૭-૧૦૮

1 comment: