Sunday, February 24, 2013

ઉપવાસ, ગાંધીજી, અને આપણે બધાં


- અશ્વિનકુમાર
.........................................................................................................

આજકાલ 'ઉપવાસ' ખર્ચાસ્પદ અને ચર્ચાસ્પદ બન્યા છે. સત્તાધીશો રામદેવીય ઉપવાસના વાતાનુકૂલિત કાર્યક્રમને ઉપહાસમાં ફેરવી કાઢે છે. આ જ શાસકો વીર અણ્ણા હજારેને 'એકે હજારા' થતા અટકાવવા જંતરમંતરને છૂમંતર કરી નાખે છે! મોટા ભાગના ઉપવાસના અંતે બીજું કશું થાય કે નહીં પણ પારણાં જરૂર થતાં હોય છે. આપણા દેશ અને દેહમાં ધાર્મિક, આધ્યાત્મિક, નૈતિક, સામાજિક, રાજકીય કારણોસર ઉપવાસ શાસ્ત્ર અને શસ્ત્ર, સાધન અને સાધ્ય થયા છે. ગાંધીજી માટે ઉપવાસનો પ્રયોગ આંત્રશુદ્ધિથી માંડીને આત્મશુદ્ધિ માટે છે.

આશ્રમમાં બનેલા નૈતિક પતનના બનાવોને કારણે, ગાંધીજીએ ૨૪-૧૧-૧૯૨૫ના રોજ, સવારની પ્રાર્થનામાં સાત દિવસના ઉપવાસની જાહેરાત કરી હતી. તેમણે ૧-૧૨-૧૯૨૫ના દિને, ઉપવાસ છોડતાં પહેલાં વિદ્યાર્થીઓને ઉદ્દબોધન અને ઉપવાસ છોડ્યા પછી છાપાંજોગું નિવેદન કર્યું હતું. ઉપવાસચિકિત્સામાં માનનાર એક દાક્તરે ગાંધીજીને ઉપવાસનાં શારીરિક પરિણામો વિશેનો એમનો અનુભવ લખી નાખવાની સૂચના કરી હતી. આથી દાક્તર મિત્રની સૂચનાનો ખુશીથી અમલ કરતાં ગાંધીજીએ ૧૩-૧૨-૧૯૨૫ના દિવસે, 'ઉપવાસનું શારીરિક મહત્વ' શીર્ષક હેઠળ મૂળ અંગ્રેજીમાં લેખ લખ્યો હતો. જે 'યંગ ઇન્ડિયા'(૧૭-૧૨-૧૯૨૫)માં અને તેનો અનુવાદ 'નવજીવન'(૨૦-૧૨-૧૯૨૫)માં પ્રકાશિત થયો હતો.

દરેક ઉપવાસનાં કારણ અને પરિણામ, હેતુ અને અસર હોય છે. આથી ગાંધીજી આ લેખની શરૂઆતમાં લખે છે : "મારા ઘણાખરા ઉપવાસો નૈતિક હેતુથી જ થયેલા છે, પણ એક રીઢો આહારસુધારક હોઈ અને અનેક કઠણ રોગોને માટે ઉપવાસને રામબાણ ઇલાજ માનતો હોઈ મેં મારા ઉપવાસોની શારીરિક અસર તરફ કેટલુંક ધ્યાન આપ્યું છે." જોકે તેઓ ભારપૂર્વક સૂચન કરે છે કે, "... ઉપવાસ દરમિયાન સંપૂર્ણ શારીરિક આરામ અને ઉપવાસ છૂટ્યા પછી પણ ઉપવાસની મુદતના પ્રમાણમાં અમુક દિવસ સુધી આરામ એ તદ્દન જરૂરનાં છે." અહીં નોંધી લઈએ કે સાત દિવસના ઉપવાસમાં ગાંધીજીનું વજન ૧૧૨ રતલમાંથી નવ રતલ ઘટીને ૧૦૩ રતલ થઈ ગયું હતું.

સામાન્ય માણસની દૃષ્ટિએ તથા શાસ્ત્રાદિ દૃષ્ટિએ ગાંધીજી જે કોઈ, ગમે તે હેતુથી ઉપવાસ કરવા ઇચ્છે તેને માટે નવ નિયમો પણ બાંધી આપે છે. વળી, આ લેખના અંતે તેઓ જણાવે છે : " નીચેનું લખતાં દાક્તરી મિત્રોની ક્ષમા માગી લઉં છું :
મારા પોતાના અનુભવ પરથી અને મારા જેવા બીજા ધૂનીઓના અનુભવ ઉપરથી નીચલી સલાહ હું વગરસંકોચે આપી શકું છું : 
(૧) જો કબજિયાત થઈ હોય તો ઉપવાસ કરવા. (૨) જો લોહી ઘટી ગયું હોય તો ઉપવાસ કરવા. (૩) જો તાવ જેવું લાગતું હોય તો ઉપવાસ કરવા. (૪) જો અજીર્ણ થયું હોય તો ઉપવાસ કરવા. (૫) જો માથું દુખતું હોય તો ઉપવાસ કરવા. (૬) જો વા થયો હોય તો ઉપવાસ કરવા. (૭) જો સંધિવા થયો હોય તો ઉપવાસ કરવા. (૮) જો ખૂબ ક્રોધ ચડ્યો હોય તો ઉપવાસ કરવા. (૯) જો મન વ્યગ્ર હોય તો ઉપવાસ કરવા. (૧૦) જો અતિશય આનંદ થઈ ગયો હોય તો ઉપવાસ કરવા.
આટલી આધિવ્યાધિઓ માટે જે ઉપવાસનો ઇલાજ કરશે તે દાક્તરના નુસખાઓ તથા બજારુ દવાઓમાંથી બચશે.
ભૂખ લાગી હોય અને રોટલાને માટે મહેનત કરી છે એમ લાગે ત્યારે જ ખાવું."

ઘટતા શ્રમ અને વધતા તણાવના આ વાઇફાઇ-હરીફાઈ યુગમાં શારીરિક અને માનસિક, ધાર્મિક, અને દેહધાર્મિક પ્રશ્નોએ આપણને અજગરી-ભરડો દીધો છે. સ્વાસ્થ્યના ભોગે અનેક આધિ-વ્યાધિ-ઉપાધિથી ઘેરાયેલી અને ધરાયેલી જનતા માટે 'ઉપવાસની રાષ્ટ્રીય ચળવળ' ઉપાડવી હોય તો ગાંધીચીંધ્યા-રસ્તે જ ઠેકાણું મળે એમ છે!

.........................................................................................................
લેખ-સૌજન્ય :
'દિવ્ય ભાસ્કર', ૧૭-૦૮-૨૦૧૧, બુધવાર, 'કળશ' પૂર્તિ, પૃષ્ઠ : ૦૨
......................................................................................................................

(અશ્વિનકુમાર ગૂજરાત વિદ્યાપીઠના અમદાવાદ પરિસર મુકામે પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિભાગમાં અધ્યાપક છે.)
 

No comments:

Post a Comment