- અશ્વિનકુમાર
--------------------------------------------------------------------------------------
|
ડૉ. વસંત આર. મહેતા
Photograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર
|
ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ મુકામે
૨૩-૦૬-૨૦૧૩, રવિવારના રોજ ‘ડૉ. વસંત આર. મહેતા શતાયુ
અભિવાદન સમારોહ’નું આયોજન કરવામાં આવ્યું હતું. વિવિધ વિશ્વવિદ્યાલયોએ અને સંગઠનોએ
પુષ્પગુચ્છ, શાલ, ચરખા-પ્રતીક, સન્માનપત્ર, સ્મૃતિચિહ્ન થકી મહેતાસાહેબનું બહુમાન કર્યું હતું.
કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે ગુજરાત
રાજ્યના વર્તમાન શિક્ષણ મંત્રી અને પૂર્વ કૃષિ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા
‘આવકાર્ય’ કારણોસર ઉપસ્થિત રહ્યા હતા. હાલના કૃષિ મંત્રી બાબુભાઈ બોખીરિયા
‘અનિવાર્ય’ કારણોસર ઉપસ્થિત રહ્યા ન હતા. આ પ્રસંગે ગુજરાત રાજ્યનાં ચાર કૃષિ
વિશ્વવિદ્યાલયોના કુલપતિઓ - એન. સી. પટેલ (જૂનાગઢ), શ્રીધરન (દાંતીવાડા), એ.એમ.શેખ
(આણંદ), એ.આર.પાઠક (નવસારી) - હાજર રહ્યા હતા. સમારોહમાં પૂર્વ કુલપતિઓ અને
અગ્રગણ્ય શિક્ષણવિદ્દો તેમજ નિવૃત્ત અધિકારીઓ અને પ્રવૃત્ત વિજ્ઞાનીઓ પણ આવ્યા
હતા. ઉપસ્થિત મહાનુભાવોએ પ્રાસંગિક ઉદ્દબોધનો કર્યાં હતાં. સન્માનિત ડૉ. વી.આર.મહેતાએ પ્રતિભાવ
અને આશીર્વચન આપ્યાં હતાં. ગૂજરાત વિદ્યાપીઠ દ્વારા નિર્મિત ‘મુઠ્ઠી ઊંચેરા માનવી’ સંવાદ-શ્રેણી અંતર્ગત, પ્રાધ્યાપક
ભદ્રાયુ વછરાજાનીએ ડૉ. વસંત આર. મહેતાની લગભગ સવા કલાકની દૃશ્ય-શ્રાવ્ય-અંકિત મુલાકાત લીધી છે.
તેનો કેટલોક ભાગ સમારોહના સમાપને રજૂ કરવામાં આવ્યો હતો. ગૂજરાત વિદ્યાપીઠના કુલસચિવ રાજેન્દ્ર ખીમાણીએ પ્રગટ કરેલા
આનંદ અને આભાર સાથે કાર્યક્રમ
પૂર્ણ થયો હતો.
ડૉ.
વસંત આર.
મહેતા ભારતીય સનદી સેવા, ગુજરાત રાજ્ય
વહીવટ અને પ્રાદેશિક કૃષિ શિક્ષણ ક્ષેત્રે આગવું નામ છે. તેમનો
જન્મ ૨૨-૦૬-૧૯૧૪ના રોજ રાજકોટમાં થયો હતો.
તેમના પિતા રતિલાલ ઘેલાભાઈ મહેતા રાજકોટની આલ્ફ્રેડ હાઈ સ્કૂલમાં મોહનદાસ કરમચંદ
ગાંધીના સહાધ્યાયી અને મિત્ર હતા. વસંતભાઈના જીવનનાં ઘડતર અને ચણતર પણ આ શાળા વાટે
થયાં. જૂનાગઢ અને અમદાવાદમાં ઉચ્ચ શિક્ષણ મેળવીને તેઓ વિજ્ઞાન તેમ જ કાનૂનના વિષયમાં સ્નાતક થયા. વી.આર.મહેતાએ ભારતીય વહીવટી સેવા
(ઈ.સ.
૧૯૫૨થી ૧૯૭૨) થકી દીર્ઘ અને દૃઢ કાર્ય-પ્રદાન કર્યું છે. તેમણે સૌરાષ્ટ્ર, બૃહદ મુંબઈ અને ગુજરાત
રાજ્યમાં પડકારરૂપ કામગીરી નિષ્ઠાપૂર્વક
નિભાવી છે.
કૃતનિશ્ચયી અને પ્રામાણિક વી.આર.મહેતાએ જમીન
સંપાદનના કામની સાથેસાથે વિશ્વાસ સંપાદન પણ કર્યો છે. સત્તાધીશોથી માંડીને
વ્યવસ્થાપકો, માથા ઉપરના અધિકારીઓથી માંડીને હાથ નીચેના કર્મચારીઓ, અધ્યાપકોથી માંડીને
વિદ્યાર્થીઓ સાથે તેમણે સંઘર્ષ-નિવારણનું કામ કુનેહપૂર્વક કર્યું છે.
વી.આર.મહેતા તત્કાલીન ગુજરાત કૃષિ વિશ્વવિદ્યાલયના પ્રથમ કુલપતિ હતા. તેમણે પ્રથમ કુલપતિ તરીકે બે
સત્ર (ઈ.સ. ૧૯૭૨થી ૧૯૭૮) સુધી, રાજ્યનાં
કૃષિ શિક્ષણ, સંશોધન અને વિસ્તરણમાં નમૂનારૂપ અને નામનારૂપ કામગીરી કરી હતી.
આપણો કૃષિ-વિકાસ આવા મજબૂત
પાયાનામ ઉપર ઊભો છે. વી.આર.મહેતાએ ગુજરાત આયુર્વેદ વિશ્વવિદ્યાલયમાં પણ બે
સત્ર (ઈ.સ.
૧૯૮૫થી ૧૯૯૧) માટે કુલપતિ તરીકે સેવા આપી હતી. મહેતાસાહેબને કૃષિ-શિક્ષણ
અને સંશોધનના ક્ષેત્રે પહેલરૂપ કાર્ય કરવા માટે આણંદ કૃષિ વિશ્વવિદ્યાલય દ્વારા ઈ.સ.
૨૦૦૫માં ડૉક્ટર ઓફ લિટરેચર (સાહિત્ય-વિદ્યાવારિધિ)
અને કૃષિના સર્વાંગી વિકાસ સારુ આજીવન અને નોંધપાત્ર પ્રદાન કરવા બદલ સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ વિશ્વવિદ્યાલય દ્વારા ઈ.સ. ૨૦૦૮માં ડૉક્ટર ઓફ સાયન્સ (વિજ્ઞાન-વિદ્યાવાચસ્પતિ)ની માનદ્ પદવી એનાયત કરવામાં આવી હતી.
ડૉ.
મહેતાએ પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે વિવિધ સંસ્થાઓને
અને સંગઠનોને પોતાના બહોળા જ્ઞાન-અનુભવનો લાભ આપ્યો છે. તેમણે વિવિધ દેશોનાં શિક્ષણ-સંશોધન
સંસ્થાનોની મુલાકાત
લીધી છે. વ.ર.મહેતાને વિશિષ્ટ સિદ્ધિઓ અને યોગદાન માટે પારિતોષિકો અને પ્રશસ્તિપત્રો, સ્મૃતિચિહ્નો અને
સન્માનપત્રો એનાયત
થયાં છે. તેમનાં કેટલાંક પુસ્તકો પ્રગટ થયાં છે, કેટલાંક પુસ્તકો પ્રસિદ્ધ થવાની રાહ
જોતાં બેઠાં છે. તેમણે ગુજરાતી ભાષામાં સાહિત્ય-સર્જન કરીને કેટલાંક પુસ્તકો આપ્યાં
છે. વી.આર.મહેતાનાં પ્રકાશિત અંગ્રેજી પુસ્તકો આ મુજબ છે : ‘શાઇનિંગ શેડોઝ’, ‘ડૉન ટુ
ડસ્ક’, ‘ડસ્ક ટુ ડૉન’, ‘ટેલ ઓફ ટુ યુનિવર્સિટીઝ’, ‘એ બ્લડલેસ લેન્ડ રીવોલ્યુશન’,
‘ફ્રોમ ધી ફાઈલ્સ ઓફ એ સ્ટેટ્સમેન’, ‘સાયન્સ ઇન વેદિક લિટરેચર ઓફ એન્સિએન્ટ
ઇન્ડિયા’, ‘હ્યુમર ઇન એડમિનિસ્ટ્રેશન’, ‘ગ્લિમ્પ્સીસ ઓફ ગૂડ ગવર્નન્સ’. તેમણે ઉ.ન.
ઢેબરના વિચારવિશ્વના કેટલાક સંચયો પણ કર્યા છે.
ડૉ.
વી.આર.મહેતાના
સોમા જન્મદિન પ્રસંગે શુભેચ્છા-સંદેશો પાઠવતાં, ‘ભારતમાં હરિયાળી ક્રાંતિના જનક’
ડૉ. એમ. એસ. સ્વામીનાથન ખાસ નોંધે છે : “”ડૉ. મહેતા આપણા સૌ માટે નિરંતર પથદર્શક વ્યક્તિત્વ બની રહ્યા છે. તેઓ વિજ્ઞાનીઓને
અને ખેડૂતોને પરસ્પર ભાગીદારી થકી એક ધરાતલ ઉપર લાવ્યા છે.”” આપણે પણ, કર્મનિષ્ઠ અને સેવાનિષ્ઠ મહેતાસાહેબના પૂર્ણ અને પ્રસન્ન શતાયુ પ્રવેશ
નિમિત્તે, તેમનાં ડહાપણ-સમજણ, વહીવટ-ચીવટ, અનુભવ-અભિવ્યક્તિ, વાચન-લેખનનો વધારે અને
વેળાસર લાભ લઈએ અને સમાજનું શુભ કરીએ.
(
અશ્વિનકુમાર, પત્રકારત્વ
અને સમૂહ પ્રત્યાયન વિભાગ, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ : ૩૮૦ ૦૧૪)
--------------------------------------------------------------------------------------
સૌજન્ય : 'નિરીક્ષક', 16-07-2013, પૃષ્ઠ : 22-23
--------------------------------------------------------------------------------------