Tuesday, March 29, 2016

હારડા : કુછ મીઠા ખો જાય!

આપણું અમદાવાદ 
ડૉ. અશ્વિનકુમાર // પ્રાધ્યાપક

…………………………………………………………………………………………………

શહેરમાં ચોક્લેટ, કેક, પેસ્ટ્રી, કે બ્રાઉનીના વર્તમાન વાયરાથી મીઠાઈઓનું મહત્વ ઘટી રહ્યું હોય એવું લાગે. એક વખત એવો હતો કે, હોળીના તહેવારની આસપાસના દિવસોમાં હારડાની બોલબાલા હતી. તમારા-મારા સિવાયના અમદાવાદીઓ 'હારડા'ની જગ્યાએ 'હાયડા' જેવો ઉચ્ચાર કરતા! હારડા એટલે ખાંડનાં ચકતાંનો હાર. ચોક્કસ અંતરે ગોઠવેલાં બીબાંમાં, લાંબો સફેદ દોરો પસાર કરવામાં આવે, અને એમાં ખાંડની ચાસણી નાખીને, એને ઠરવા દેવામાં આવે, એટલે હારડા તૈયાર થઈ જાય. હારડા એક એવી મીઠાઈ હતી કે જે ગળામાં પહેરાવી શકાતી હતી. જે બાળકની પહેલી હોળી હોય, એ બાળકનું અને એ રીતે હોળીનું મહત્વ વધી જાય. એમાં પણ બાળકના મોસાળમાંથી, મામા કોરાં કપડાં લઈ આવે. એનાં ઉપર કંકુનાં છાંટણાં નાખવામાં આવે. હોળીના દિવસે બાળકને કંકુનાં છાંટણાંવાળાં કપડાં પહેરાવવામાં આવે. એના નાજુક ગળામાં 'હારડો' પહેરાવવામાં આવે. માતા કે દાદી બાળકને તેડીને હોળીની પ્રદક્ષિણા કરે. છેવટે, બાળકના ગળામાંથી હારડો કાઢીને હોળીની જ્વાળામાં હોમી દેવામાં આવે. વળી, જે છોકરા-છોકરીનું સગપણ થયું હોય એની પહેલી હોળી વખતે, બન્ને પક્ષ તરફથી એકબીજાને ધાણી-ખજૂરની સાથે હારડા મોકલવામાં આવે. આ માટે 'સવા શેરનો હારડો' એવો શબ્દપ્રયોગ પણ ચલણમાં હતો. કેટલીક જ્ઞાતિઓમાં આ રિવાજ આજે પણ પાળવામાં આવે છે. એમાં પણ, ખાંડનાં ચકતાં ઉપર ગોળ અરીસા ચોંટાડેલા હોય તેવા હારડા મોકલવામાં આવે છે. એક સમયે તો, પતરાંનાં ચોકઠાંમાં મઢેલા અરીસાને હારડા સાથે બાંધીને મોકલવામાં આવતો હતો. આમ, હારડાના દોરા સાથે સંબંધના તાંતણા બંધાયેલા જોવા મળતા હતા.

ઘરના ઓટલે કે ગલીના નાકે, બાળકો હારડા ચૂસ્યાં કરતાં હોય એવું દૃશ્ય સહજ હતું. કેટલાંક બાળકો પહેલા બટકાએ હારડાને એકવચનમાંથી બહુવચનમાં ફેરવી શકતાં હતાં. ક્યારેક તો હારડાની દોરી બે દાંત વચ્ચેની જગ્યામાં ભરાઈ જતી હતી. હારડાથી પોતાનાં બાળકોને ગળામાં 'ખિચખિચ' થઈ જશે એવી ચિંતાથી પરિવારજનો મુક્ત હતાં. કારણ કે, એ સમયે ટેલીવિઝન ઉપર ખાંસી-ઉધરસની દવાઓની ઝાઝી જાહેરખબરો પ્રસારિત થતી નહોતી! અંતે, વધેલા હારડા ખાંડના ડબ્બામાં સમાઈ જતા હતા. ઘરમાં થોડા દિવસો સુધી ચા બનાવવામાં ખાંડના દાણાની જગ્યાએ હારડાના કટકાની પસંદગી કરવામાં આવતી હતી. આજકાલની ચોકલેટી જાહેરખબરમાં 'કુછ મીઠા હો જાય' જેવું ગળચટું વાક્ય જોવા મળે છે. આપણા હોળી-પર્વમાંથી હારડા ભુસાઈ રહ્યા છે. પરિણામે, હારડા માટે 'કુછ મીઠા ખો જાય' જેવો ભાષાપ્રયોગ કરવો પડે એવો કડવો વખત આવ્યો છે. 

…………………………………………………………………………………………………
સૌજન્ય :
 
હારડા : કુછ મીઠા ખો જાય!
'આપણું અમદાવાદ', 'સિટી ભાસ્કર' પૂર્તિ, પૃષ્ઠ : ૦૧-૦૨, 'દિવ્ય ભાસ્કર', ૨૯-૦૩-૨૦૧૬, મંગળવાર

'આપણું અમદાવાદ'

Tuesday, March 22, 2016

હોળીમાં હોળૈયાંના હારનો હરખ

આપણું અમદાવાદ 
ડૉ. અશ્વિનકુમાર // પ્રાધ્યાપક
…………………………………………………………………………………………………

હોળી ફાગણ સુદ પૂનમે પ્રગટે, પણ હોળૈયાં થોડા દિવસ અગાઉ બનાવવાં પડે. એ સમયે અમદાવાદ શહેરની અંદર ગાય-ભેંસ નિરાંતે પોદળા કરી શકે એટલી મોકળાશ હતી. ગાયમાતા કે ભેંસમાસીનાં છાણમાંથી હોળૈયાં બનતાં હતાં. હોળૈયાં એટલે હોળીમાં નાખવાનાં નાનાં છાણાં. હોળૈયાં કદમાં ક્યાંક પૂરી જેવાં તો ક્યાંક મેંદુવડાં જેવાં જોવા મળે. છાણાં અને હોળૈયાં થાપવાની રીત સરખી હોય. ફરક એટલો જ કે, છાણાંમાં વચ્ચે કાણું ન હોય, જ્યારે તાજાં હોળૈયાંની મધ્યમાં આંગળીથી કે સાંઠીકડાથી કાણું પાડવામાં આવે. હોળૈયાં તડકે સુકાઈ જાય એટલે તેને કાથી કે સૂતળીના દોરામાં પરોવી દેવામાં આવે. વ્યક્તિ અને વિસ્તાર પ્રમાણે હોળીમાતાના હારમાં નવીનતા જોવા મળતી. કોઈક ઠેકાણે તો, હાથની ચારેય સંયુક્ત આંગળીઓના આકાર જેવું હોળૈયું પણ બનાવવામાં આવે. જાણે કે, માતાજીની જીભ જ જોઈ લો! ક્યાંક તો, છાણનો પિંડલો લઈને તેને એવી રીતે દાબવામાં આવે કે તે 'લાડુ'માં પરિણમે. હોળૈયાંની જેમ 'જીભ' અને 'લાડુ'માં પણ વચ્ચે કાણાં પાડવાનું ભૂલવાનું નહીં. હવે, વચમાં 'જીભ' આવે, આજુબાજુમાં પાંચ-પાંચ હોળૈયાં આવે, પછી 'લાડુ' આવે, ફરી વાર પાંચ-પાંચ હોળૈયાં આવે એ રીતે દોરામાં પરોવણી કરતાં જવાનું. જેવો વખત અને વિશ્વાસ હોય તેવી હારની લંબાઈ વધે. આ જ રીતે હોલિકામાતાને સમગ્ર રીતે આવરી લેવાય એવો મહા-હાર બનાવવાનું બીડું પણ કોઈક વીરલા-વીરલીએ તો ઝડપ્યું જ હોય.

કોઈ કુશળ કારીગર હોય તો છાણમાંથી 'નારિયેળ' પણ બનાવી શકે. આ માટે દીવાસળીની ખાલી પેટીમાં કાંકરીઓ ભરીને તેને બંધ કરી દેવાની. આ બાકસની ફરતે, એવી રીતે છાણને લગાવતાં અને દબાવતાં જવાનું કે નારિયેળ જેવી આકૃતિ રચાતી જાય. એના સહેજ ઉપરના ભાગે કાણું પાડવાની સાવચેતી રાખવાની. આ કળાકૃતિ સરખી સુકાઈ જાય પછી તેને ખખડાવો તો કાંકરીઓ કર્ણપ્રિય ધ્વનિ કર્યા વિના રહે નહીં! આ 'નારિયેળ'ને પણ હોળૈયાંના હારમાં વચ્ચે પરોવી શકાય. હોળીના દિવસે મહોલ્લાની હરખપદૂડી યુવાટોળી હોળૈયાંના હાર ઉઘરાવવા નીકળે. બે જણના મજબૂત ખભા ઉપર આડી રાખેલી ડાંગમાં આખા મહોલ્લાના હાર પરોવાતા જાય. ત્યાર બાદ, હોળી માટે ઊભાં કરેલાં લાકડાં ઉપર હોળૈયાંના હાર ગોઠવવામાં આવે. હોલિકા-દહન પછી, શ્રદ્ધાળુ માણસો તાંબાના કળશને ઊંધો રાખીને, તેના ઉપર અંગાર-તપ્ત હોળૈયાં મૂકીને ઘરે પરત આવે. હોળૈયાંની રાખની પોટલી બનાવીને સાચવી રાખવામાં આવે. બાળકને શીળસ થાય ત્યારે, તેના શરીર ઉપર આ જ પોટલીમાંથી રાખનો છંટકાવ કરવાથી, તે મટી જાય એવી માતા અને માનતાના એ દિવસો હતા!

…………………………………………………………………………………………………
સૌજન્ય :

હોળીમાં હોળૈયાંના હારનો હરખ
'આપણું અમદાવાદ', 'સિટી ભાસ્કર' પૂર્તિ, પૃષ્ઠ : ૦૧-૦૨, 'દિવ્ય ભાસ્કર', ૨૨-૦૩-૨૦૧૬, મંગળવાર

'આપણું અમદાવાદ'

Sunday, March 20, 2016

ભાષાની મજા, મજાની ભાષા - 887

'બસ બંધ છે.'
'બસ, બંધ છે.'

(સૌજન્ય : પોતાની કાર આગળ જતી બસની પાછળ લખેલી સૂચના વાંચનાર, અને તેમાં એક અલ્પવિરામથી કેવો અર્થવિરામ થાય છે તે સૂચવનાર, 'મિરચી'મિત્ર રે.જો. ધ્વનિત)

Wednesday, March 16, 2016

'હાર્દિક' અને 'બૌદ્ધિક' નિમંત્રણ

પ્રખર બુદ્ધિમત્તા અને કવિહૃદયની સંવેદનશીલતા, ઈશ્વર પૂર અતૂટ શ્રદ્ધા અને આત્મનિરીક્ષણનું ગજબનું સાતત્ય, પુસ્તક એમનો પહેલો પ્રેમ છતાં પ્રસંગ પડ્યે રાજકારણમાં ઝુકાવવામાં નહીં વિલંબ, ગાંધીજી સાથે રહેલા અને ગાંધીજીના ભાષ્યકાર તરીકે ખ્યાતિ પામેલા, આઝાદી પૂર્વે અને પછીના ભારતમાં પોતાની સ્પષ્ટ અભિવ્યક્તિથી અમીટ છાપ છોડી ગયેલા, ગાંધી વખતની અને ગાંધી પછીની પેઢીને જોડતી કડીરૂપ વ્યક્તિત્વ ધરાવતા, આચાર્ય જીવતરામ ભગવાનદાસ કૃપાલાનીના વ્યક્તિત્વ અને રાજકારણ અંગે, ગૂજરાત વિદ્યાપીઠમાં ૧૮ અને ૧૯ માર્ચ, ૨૦૧૬ના રોજ સવારે દસથી સાંજના છ સુધી, રાષ્ટ્રીય પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું છે.

રસ ધરાવતા સૌને આ પરિસંવાદમાં પધારવા સાદર નિમંત્રણ છે. આપના આગમનની આગોતરી જાણ કપિલ દેશવાલને ૦૭૯-૪૦૦૧૬૩૨૨ અથવા kdeshwal@yahoo.in ઉપર કરવા વિનંતિ છે.


Tuesday, March 15, 2016

અમદાવાદે એમને 'આચાર્ય'ની ઓળખ આપી

આપણું અમદાવાદ

// ડૉ. અશ્વિનકુમાર // પ્રાધ્યાપક
…………………………………………………………………………………………………

આચાર્ય જીવતરામ ભગવાનદાસ કૃપાલાની (૧૮૮૮-૧૯૮૨) ગાંધીવિચારના ભાષ્યકાર, રચનાત્મક કાર્યકર, પ્રાધ્યાપક, પત્રકાર, લેખક, વક્તા, અને રાજનીતિજ્ઞ તરીકે વિખ્યાત છે. જી.ભ.કૃ. તીક્ષ્ણ વ્યંગ્યવૃતિ, સૂક્ષ્મ અવલોકનશક્તિ, અને મૌલિક અભિવ્યક્તિ માટે જાણીતા હતા. 'ગાંધીવાદ જેવી કશી વસ્તુ નથી.' એવું આચાર્ય કૃપાલાનીનું કથન ગાંધીજીને પણ બરોબર જણાયું હતું! જીવતરામ કૃપાલાની ૧૬-૧૧-૧૯૨૨થી ૦૬-૦૨-૧૯૨૮ સુધી ગૂજરાત વિદ્યાપીઠમાં ગુજરાત મહાવિદ્યાલયના આચાર્ય તરીકે કાર્યરત રહ્યા હતા. તેમણે અમદાવાદમાં ગુજરાત મહાવિદ્યાલયથી માંડીને પ્રેમાભાઈ સભાગૃહમાં અને સાબરમતી નદીની રેતથી માંડીને ગુજરાત કૉલેજ સામેની રાવની હોટેલ પાસે ભોંય ઉપર ભાષણો કરીને જનજાગ્રતિ કરી હતી. એમના સમયના વિદ્યાર્થીઓ-વિદ્યાર્થિનીઓ પૈકી પરીક્ષિતલાલ મજમુદાર, ઇન્દુમતી શેઠ, ઠાકોરભાઈ દેસાઈ, મગનભાઈ દેસાઈ, ગોરધનદાસ ચોખાવાલા, કનુ દેસાઈ, કીકુભાઈ દેસાઈ, ઝીણાભાઈ દેસાઈ, જેઠાલાલ ગાંધી, મણિબહેન પટેલ, ડાહ્યાભાઈ પટેલ, ચતુર્ભુજદાસ ચીમનલાલ, દિનકર મહેતા, મૃદુલા સારાભાઈ, ભોગીલાલ ગાંધી, વગેરેને 'આચાર્ય કૃપાલાનીની આત્મકથા'માં ખાસ યાદ કરવામાં આવ્યા છે. કનુ દેસાઈનું કલા તરફનું વલણ જોઈને, આચાર્ય કૃપાલાનીએ પોતાના ખર્ચે, તેમને ચિત્રકળાના શિક્ષણ માટે શાંતિનિકેતન મોકલ્યા હતા.

કવિ ઉમાશંકર જોશીએ નોંધ્યું છે કે, "કૃપાલાનીજીની એ સમયની કામગીરી પયગંબરી છટાવાળી હતી. કૉલેજના વિદ્યાર્થીવર્ગ ઉપર એમની અજબ ભૂરકી હતી. નદીની રેતમાં ભાષણો થતાં. વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ એમની પાછળ ખેંચાતાં ધસ્યાં આવે એ જોઈ શેલીના 'પશ્ચિમી વાયરા'ની યાદ આવી જતી. અથવા એટલે દૂર શા માટે, ગોપીઓ કેવી ખેંચાતી આવતી હશે તે યુવકવર્ગને આચાર્યથી આકર્ષાતો જોઈને સમજાતું. એક સાંજનું ભાષણ મને બરોબર યાદ છે. આચાર્ય કહે : 'આઈ એમ એ કિંગ' - હું રાજા છું. અને અર્ધું ચક્કર ફરી લીધું. બાબરી ઊછળી. વીંટળાઈને બેઠેલ અમારી સૌની તરફ હાથ લંબાવી આગળ ચલાવ્યું : 'માય કિંગ્ડમ ઇઝ ઇન યોર હાર્ટ્સ' - મારું રાજ્ય છે તમારા સૌના હૃદયમાં. " આપણા 'આચાર્ય', દરેક રવિવારે, પોતાના વિદ્યાર્થીઓની એક ટુકડી સાથે, શહેરમાં ખાદીની ફેરી કરવા જતા હતા. મહાવિદ્યાલયના વિદ્યાર્થીઓ પાસેથી વિદાય લેતી વખતે, ૦૭-૦૨-૧૯૨૮ના ભાષણમાં કૃપાલાની કહે છે : 'અમદાવાદની જાહેર જનતાને માટે મને બોલવાના શબ્દ જડતા નથી. હું તમારા ભરચક શહેરમાં બહુ ઓછો ફર્યો છું, પણ જ્યારે જ્યારે ફર્યો છું ત્યારે ત્યારે ઓળખાણ અને સદ્દભાવના, મૂક સ્મિતોનો આદર મળ્યા વિના રહ્યો નથી.' કૃપાલાનીજી માટે ખાદી-દક્ષિણા પેટે ઉઘરાવવામાં આવેલા ૫૯૦૦ રૂપિયા, તેમને ગાંધીજીના હસ્તે ૧૧-૦૧-૧૯૨૯ના રોજ અર્પણ કરવામાં આવ્યા હતા. આચાર્ય કૃપાલાનીએ ૧૯-૦૩-૧૯૮૨ના રોજ, અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં છેલ્લા શ્વાસ લીધા હતા.

…………………………………………………………………………………………………
સૌજન્ય :

અમદાવાદે એમને 'આચાર્ય'ની ઓળખ આપી
'આપણું અમદાવાદ', 'સિટી ભાસ્કર' પૂર્તિ, પૃષ્ઠ : ૦૧-૦૨, 'દિવ્ય ભાસ્કર', ૧૫-૦૩-૨૦૧૬, મંગળવાર

'આપણું અમદાવાદ'

Wednesday, March 9, 2016

ભાષાની મજા, મજાની ભાષા - 886

'રાજ્યના વિધાનસભા-ગૃહમાં એક દિવસ માટે એક મહિલાને અધ્યક્ષ બનાવવામાં આવ્યાં.'

આ સમાચારમાં અલગ-અલગ શબ્દ આગળ 'જ' મૂકો અને તેના કારણે બદલાતા અર્થને માણો :

'રાજ્યના જ વિધાનસભા-ગૃહમાં એક દિવસ માટે એક મહિલાને અધ્યક્ષ બનાવવામાં આવ્યાં.'
'રાજ્યના વિધાનસભા-ગૃહમાં જ એક દિવસ માટે એક મહિલાને અધ્યક્ષ બનાવવામાં આવ્યાં.'
'રાજ્યના વિધાનસભા-ગૃહમાં એક જ દિવસ માટે એક મહિલાને અધ્યક્ષ બનાવવામાં આવ્યાં.'
'રાજ્યના વિધાનસભા-ગૃહમાં એક દિવસ જ માટે એક મહિલાને અધ્યક્ષ બનાવવામાં આવ્યાં.'
'રાજ્યના વિધાનસભા-ગૃહમાં એક દિવસ માટે જ એક મહિલાને અધ્યક્ષ બનાવવામાં આવ્યાં.'
'રાજ્યના વિધાનસભા-ગૃહમાં એક દિવસ માટે એક જ મહિલાને અધ્યક્ષ બનાવવામાં આવ્યાં.'
'રાજ્યના વિધાનસભા-ગૃહમાં એક દિવસ માટે એક મહિલાને જ અધ્યક્ષ બનાવવામાં આવ્યાં.'
'રાજ્યના વિધાનસભા-ગૃહમાં એક દિવસ માટે એક મહિલાને અધ્યક્ષ જ બનાવવામાં આવ્યાં.'
'રાજ્યના વિધાનસભા-ગૃહમાં એક દિવસ માટે એક મહિલાને અધ્યક્ષ બનાવવામાં જ આવ્યાં.'
'રાજ્યના વિધાનસભા-ગૃહમાં એક દિવસ માટે એક મહિલાને અધ્યક્ષ બનાવવામાં આવ્યાં જ.'

નિમંત્રણ


Tuesday, March 8, 2016

જ્યારે સરકારી, મફત, અને કુદરતી પ્રસૂતિ થતી!

આપણું અમદાવાદ

ડૉ. અશ્વિનકુમાર
પ્રાધ્યાપક
…………………………………………………………………………………………………

એ વખતે શહેરમાં મ્યુનિસિપાલિટીનાં પ્રસૂતિગૃહોની સરખામણીમાં ખાનગી પ્રસૂતિગૃહોની સંખ્યા ઓછી હતી. ખાનગી પ્રસૂતિગૃહોમાં મળતી સારવાર અને સેવા મોંઘી પડતી હતી. આથી, ગરીબ અને મધ્યમ વર્ગ માટે સરકારી સુવાવડખાનાં સિવાય છૂટકો નહોતો. સરકારી માતૃગૃહોમાં સગર્ભાની નામ-નોંધણી, નિયમિત તપાસ અને સારવાર મફતમાં થતી. સાથેસાથે દવા અને દૂધ પણ મફતમાં મળે એવા એ દિવસો હતા. 'ભારે પગે' તપાસ માટે આવતી સ્ત્રીઓને દૂધની મોટી બાટલી આપવામાં આવતી હતી. એટલું જ નહીં, માતાની સાથે કોઈ નાનું બાળક હોય તો એને દૂધની નાની બાટલી આપવામાં આવતી હતી. આબાદ ડેરીની કાચની મોટી બાટલીમાં પાંચસો મિલીલિટર અને નાની બાટલીમાં અઢીસો મિલીલિટર દૂધ આવતું હતું. એ વખતે છોકરીઓને અઢાર વર્ષની આસપાસની વયે પરણાવી દેવામાં આવતી. લગ્નના થોડા મહિનાઓમાં પરિણીતાને દહાડા ન રહે તો એ પાડોશમાં પણ ચર્ચાનો વિષય બનતો. કુટુંબ-નિયોજનનો વિચાર હજુ વ્યવહારમાં નહોતો આવ્યો એટલે સ્ત્રીઓ ચાર-છ બાળકોને જન્મ આપી શકતી હતી.

જ્યારે બાળકના જન્મની ઘડી નજીક આવે એટલે સગર્ભાની સાથે નણંદ, દેરાણી, જેઠાણી, સાસુ, કે પડોશણ દવાખાને પહોંચી જાય. સાધારણ પરિવારની બહેનો ચાલતી જ પ્રસૂતિગૃહે પહોંચતી. કારણ કે, વાહનવ્યવહારની સગવડ સીમિત હતી. વળી, રિક્ષાનું આઠ આના ભાડું પણ આકરું પડતું. તનમાં વેણ અને મનમાં વિશ્વાસ સાથે, બહેન દવાખાનામાં દાખલ થઈ જતી. મોટા ભાગે કુદરતી રીતે જ પ્રસૂતિ થતી. જરૂર પડે તો એકાદ-બે ટાંકાથી કામ ચાલી જતું. અપવાદરૂપ કિસ્સામાં જ પેટ ઉપર કાતર ચાલતી હતી! દવાખાનામાં આવ્યા બાદ પણ પ્રસૂતિ ન થાય તો રાહ જોવાનું કહેવામાં આવતું. આવા સમયે 'જણનારીમાં જોર ન હોય તો સુયાણી શું કરે?' જેવી કહેવત પણ વપરાતી હતી. બાળકના જન્મના થોડા જ સમય બાદ 'બાળરોગ નિષ્ણાત તબીબ' આવતા, તપાસ કરતા, અને હેવાલ આપતા. માતા અને નવજાત શિશુને એકાદ અઠવાડિયા સુધી પ્રસૂતિગૃહમાં રાખવામાં આવતાં હતાં. તેમનાં કપડાં રોજ બદલાવવામાં આવતાં હતાં. પ્રસૂતાને સ્નાન માટે ગરમ પાણીની પણ નિ:શુલ્ક સગવડ કરી આપવામાં આવતી હતી. જોકે, ઈ.સ. ૧૯૭૫ની આસપાસનાં વર્ષોમાં પ્રસૂતિની સાત રૂપિયા ફી લેવામાં આવતી હતી. જે 'ખાટલા ફી' તરીકે ઓળખાતી હતી. દાક્તર રજા આપે એટલે, કપડાંમાં વીંટળાયેલા શિશુને હાથમાં લઈને પરિવારની કે પરિચિત સ્ત્રી તથા સુવાવડી સ્ત્રી ઘરે ચાલતાં પાછાં ફરતાં. પ્રસૂતા માથે કપડું બાંધી રાખતી હોવાથી અન્ય સ્ત્રીઓથી અલગ તરી આવતી હતી.

…………………………………………………………………………………………………
સૌજન્ય :

જ્યારે સરકારી, મફત, અને કુદરતી પ્રસૂતિ થતી!
'આપણું અમદાવાદ', 'સિટી ભાસ્કર' પૂર્તિ, પૃષ્ઠ : ૦૧-૦૩, 'દિવ્ય ભાસ્કર', ૦૮-૦૩-૨૦૧૬, મંગળવાર

'આપણું અમદાવાદ'

Wednesday, March 2, 2016

ભાષાની મજા, મજાની ભાષા - 885

તમે આ ચાર વિકલ્પોમાંથી શું ખાવાનું પસંદ કરશો?

'ચોરાફરી'
'ચોળાફરી'
'ચોરાફળી' 
'ચોળાફળી'

Tuesday, March 1, 2016

ભૌગોલિક નહીં, ઐતિહાસિક છે દાંડીકૂચ!

આપણું અમદાવાદ 

ડૉ. અશ્વિનકુમાર
પ્રાધ્યાપક
…………………………………………………………

Courtesy : google image 

ગાંધીજીએ છ કરોડ રૂપિયાનો મીઠાનો કર કઢાવી નાખવા માટે અહિંસક માર્ગે સત્યાગ્રહ આદર્યો. તેમના મતે નમકવેરા સામેની લડત એક માણસની નહીં, પણ કરોડો માણસોની હતી. તેમણે ઈ.સ. ૧૯૩૦ની બારમી માર્ચથી પાંચમી એપ્રિલ સુધી કૂચ કરી. ગાંધીજીએ અઠ્ઠોતેર સ્વયંસેવકો સાથે અમદાવાદમાં સાબરમતી નદીના કિનારે આવેલા સત્યાગ્રહાશ્રમથી દક્ષિણ ગુજરાતમાં દરિયાના કિનારે આવેલા દાંડી ગામ સુધી પદયાત્રા કરી. પચીસ દિવસની કૂચમાં બસો એકતાળીસ માઈલ અર્થાત ત્રણસો અઠ્યાસી કિલોમિટરનું અંતર આવરી લેવામાં આવ્યું હતું. એકસઠ વર્ષીય ગાંધીજી રોજનું સરેરાશ સોળ કિલોમિટર અંતર કાપતા હતા. તેમણે છઠ્ઠી એપ્રિલે સવારે સાડા છ કલાકે ચપટી નમક ઉપાડીને મીઠાના કાયદાનો ભંગ કર્યો. ગાંધીજીએ ત્રણસો અમલદારો અને એક લાખ સૈનિકોના ભયથી ત્રાસેલા ત્રીસ કરોડ લોકો માટે ચળવળ ચલાવી હતી. તેમણે દાંડીકૂચને આખરી ફેંસલો, મહા ધર્મયુદ્ધ, મહાવ્યાપક યજ્ઞ, સ્વરાજયજ્ઞ, સામુદાયિક સવિનય ભંગ, શાંતિમય ક્રાંતિ તરીકે ઓળખાવી હતી.

કૂચવીરો બારમીની સવારે છ અને વીસે હાજર થઈ ગયા હતા. કસ્તૂરબાએ ગાંધીબાપુને ચાંલ્લો કર્યો અને સૂતરમાળા પહેરાવી. ગાંધીજીએ ગુજરાતીમાં ઉતારેલી શ્રીમદ્ ભગવદ્દગીતા એટલે કે 'અનાસક્તિયોગ'ની તાજી જ પ્રકાશિત થયેલી નકલો, ગાંધીજી અને દાંડીયાત્રીઓ આશ્રમમાંથી બહાર પગ મૂકતા હતા તે જ વખતે, તેઓના હાથમાં મૂકવામાં આવી. આશ્રમથી બરોબર સાડા છ કલાકે કૂચ શરૂ થઈ. તેમની પાછળ વિશાળ જનસમુદાય ચાલતો હતો. દેશ અને દુનિયાના ખબરપત્રીઓ દાંડીકૂચનો હેવાલ લેવા આવ્યા હતા. પત્રકાર અમૃતલાલ શેઠના મતે, ગાંધીજી જાણે કેસરિયાં કરવા નીકળ્યા હતા. તેમણે નોંધ્યું છે કે, 'મહાત્માજીએ સાબરમતીથી કૂચ કરી ત્યારે એમનું કપાળ અને આખું શિર કુંકુમથી રંગાયેલું હતું.' ગૂજરાત વિદ્યાપીઠ આગળ નરહરિભાઈ પરીખનાં પત્ની મણિબહેને ગાંધીજીને ચાંલ્લો કર્યો અને અક્ષતથી વધાવ્યા. આશ્રમથી ચારેક માઈલ સુધીના વિસ્તારમાં અંદાજે એક લાખ જેટલા માણસો ભેગા થયા હોવાનો અંદાજ બાંધવામાં આવ્યો હતો. પદયાત્રા એલિસબ્રિજ પાસેથી પસાર થઈને આગળ વધી. દાંડીયાત્રીઓ આશ્રમથી સાત માઈલ અર્થાત અગિયાર કિલોમિટરનું અંતર કાપીને સાડા આઠ કલાકે ચંડોળા તળાવે પહોંચ્યા. ચંડોળા તળાવ ઉપર કરેલા ભાષણમાં ગાંધીજીએ જ્ઞાતિ, ધર્મ, વર્ગ વગેરેમાં પ્રવર્તતા ભેદભાવને કાઢવા ઉપર ખાસ્સો ભાર મૂક્યો હતો. સત્તાવાળાઓએ ગાંધીજીના સદાકાળ પ્રસ્તુત ભાષણનો સાર મોટા અક્ષરોમાં મઢીને ચંડોળા તળાવ આગળ મૂકવા જેવો છે. 'મોહનતા' અને 'માનવતા'માં માનતા અમદાવાદીઓએ, બારમી માર્ચે સવારે સાડા છ કલાકે સાબરમતીના સત્યાગ્રહાશ્રમથી નીકળીને, સાડા આઠે ચંડોળા તળાવ સુધી પહોંચવાનો પ્રયાસ કરવા જેવો છે!

…………………………………………………………
સૌજન્ય :

ભૌગોલિક નહીં, ઐતિહાસિક છે દાંડીકૂચ!
'આપણું અમદાવાદ', 'સિટી ભાસ્કર' પૂર્તિ, પૃષ્ઠ : ૦૧, 'દિવ્ય ભાસ્કર', ૦૧-૦૩-૨૦૧૬, મંગળવાર

'હિંદ સ્વરાજ'નો કર્ણવેધી શબ્દ

આ લેખ વાંચવો હોય તો કલોલ નહીં પણ, કડી સુધી જવું પડે. આ છે એ કડી :

https://issuu.com/navajivantrust/docs/navajivanno_akshardeh_2016-03-web

સૌજન્ય : 
'હિંદ સ્વરાજ'નો કર્ણવેધી શબ્દ
'નવજીવનનો અક્ષરદેહ', માર્ચ, ૨૦૧૬, સળંગ અંક : ૩૫, પૃષ્ઠ : ૬૯-૭૦

(અત્યાર સુધી પ્રકાશિત બધા અંકો ઓનલાઇન વાંચવા માટે http://www.navajivantrust.org/news/house-magazine-navajivanno-akshardeh)

'આપણું અમદાવાદ'