Wednesday, March 25, 2020

૧૪

'ટ્રાન્સવાલમાં ૧૮૮૫માં સખત કાયદો થયો. ૧૮૮૬માં કંઈક સુધારો થયો. તેને પરિણામે હિંદીમાત્ર દાખલ-ફીના ત્રણ પાઉન્ડ આપે એમ ઠર્યું. જમીનની માલિકી તેઓ માત્ર તેમને સારુ નીમેલા વાડામાં જ ધરાવી શકે. આમાંયે માલિકી તો મળી જ નહીં. એમને મતાધિકાર તો ન જ હોય. આ તો ખાસ એશિયાવાસીઓને લગતા કાયદા. વળી, જે કાયદા શ્યામ વર્ણના લોકોને લાગુ પડે તે પણ એશિયાવાસીઓને લાગુ ખરા જ. તે મુજબ હિંદીઓ પગથી ('ફૂટપાથ') ઉપર હકપૂર્વક ન ચાલી શકે, રાતના નવ વાગ્યા પછી પરવાના વિના બહાર ન નીકળી શકે. આ છેલ્લા કાનૂનનો અમલ હિંદીઓ સામે ઓછાવત્તા પ્રમાણમાં થતો. જેઓ આરબ તરીકે ખપતા તેઓને મહેરબાની દાખલ આમાં ન ગણવામાં આવે. એટલે આવી રાહત પોલીસની ઇચ્છા ઉપર રહે. 
આ બન્ને નિયમોની અસર મારે પોતાને વિશે તપાસવી પડી હતી. મિ. કોટ્સની સાથે ઘણી વેળા હું રાતે ફરવા નીકળતો. ઘેર જતાં દસ પણ વાગે. એટલે મને પોલીસ પકડે તો? આ ધાસ્તી મને હતી તેના કરતાં કોટ્સને વધારે હતી. કેમ કે પોતાના હબસીઓને તો તે જ પરવાના આપે. મને શી રીતે પરવાનો આપી શકે? પરવાનો પોતાના નોકરને જ આપવાનો શેઠને અધિકાર હતો. હું લેવા માગું ને કોટ્સ દેવા તૈયાર થાય તોયે તે ન જ આપી શકાય, કેમ કે તે દગો ગણાય.'

No comments:

Post a Comment