Thursday, March 26, 2020

૧૫

"પગથી ઉપર ચાલવાનો પ્રશ્ન મારે સારુ જરા ગંભીર પરિણામવાળો નીવડ્યો. હું હમેશાં પ્રેસિડેન્ટ સ્ટ્રીટમાં થઈને એક ખુલ્લા મેદાનમાં ફરવા જતો. આ મહોલ્લામાં પ્રેસિડેન્ટ ક્રુગરનું ઘર હતું. એ ઘરને વિશે આડંબર જરાયે નહોતો. તેને ફરતું કમ્પાઉન્ડ પણ ન હતું. બીજાં પડખેનાં ઘરોમાં અને આમાં કશો તફાવત માલૂમ ન પડે. લક્ષાધિપતિઓનાં ઘણાનાં ઘર પ્રિટોરિયામાં આ ઘર કરતાં ઘણાં મોટાં, શોભીતાં ને વાડવાળાં હતાં. પ્રેસિડેન્ટની સાદાઈ પ્રખ્યાત હતી. આ ઘર કોઈ અમલદારનું છે એમ તેની સામે એક સિપાઈ ફરતો હોય તે ઉપરથી જ જણાય. આ સિપાઈની લગોલગ થઈને જ લગભગ હમેશાં હું જાઉં. પણ સિપાઈ મને કંઈ ન કરે. સિપાઈ વખતોવખત બદલાય. એક વેળા એક સિપાઈએ, ચેતવ્યા વિના, પગથી ઉપરથી ઊતરી જવાનું કહ્યા વિના, મને ધક્કો માર્યો, લાત મારી, ને ઉતારી મૂક્યો. હું તો વિમાસણમાં જ પડ્યો. લાત મારવાનું કારણ હું પૂછવા જાઉં તે પહેલાં કોટ્સ જે ઘોડેસવાર થઈ તે જ વેળા ત્યાંથી પસાર થતા હતા તેમણે મને પોકારીને કહ્યું : 
'ગાંધી, મેં બધું જોયું છે. તારે કેસ કરવો હોય તો હું સાક્ષી આપીશ. મને બહુ દિલગીરી થાય છે કે તારી ઉપર આવી રીતે હુમલો થયો.' 
મેં કહ્યું : 'તેમાં દિલગીરીનું કારણ નથી. સિપાઈ બિચારો શું જાણે? તેને મન તો કાળા એટલા કાળા જ. તે હબસીઓને પગથી ઉપરથી આમ જ ઉતારતો હશે એટલે તેણે મને પણ ધક્કો માર્યો. મેં તો નિયમ જ કર્યો છે કે મારી જાત ઉપર વીતે તેને સારુ મારે અદાલતે ન જ ચડવું. એટલે મારે કેસ નથી કરવો.' 
'એ તો તેં તારા સ્વભાવ પ્રમાણે જ વાત કરી, પણ તું ફરી વિચારી જોજે. આવા માણસને કંઈક પાઠ તો શીખવવો જ જોઈએ.' આટલું બોલી પેલા સિપાઈની સાથે વાત કરી તેને ઠપકો આપ્યો. હું બધી વાત તો ન સમજી શક્યો. સિપાઈ ડચ હતો ને તેની સાથે વાત ડચમાં થઈ. સિપાઈએ મારી માફી માંગી, હું તો માફી આપી જ ચૂક્યો હતો. 
પણ મેં ત્યારથી આ શેરીનો ત્યાગ કર્યો. બીજા સિપાઈઓને આ બનાવની શી ખબર હોય? મારે હાથે કરીને ફરી લાત શા સારુ વહોરવી? એટલે મેં ફરવા જવાને સારુ બીજી શેરી પસંદ કરી."

No comments:

Post a Comment