'તેમના અક્ષરજ્ઞાનને વિશે હું બેદરકાર રહ્યો એમ તો નહીં કહું, પણ મેં તેને જતું કરતાં સંકોચ ન ખાધો. ને આ ઊણપને સારુ મારા દીકરાઓને મારી સામે ફરિયાદ કરવાનું કારણ રહેલું છે. તેમણે કેટલીક વાર પોતાનો અસંતોષ પણ જાહેર કર્યો છે. આમાં કંઈક અંશે મારે મારો દોષ કબૂલ કરવો જોઈએ એમ માનું છું. તેમને અક્ષરજ્ઞાન આપવાની ઇચ્છા ઘણી થતી, પ્રયત્ન પણ કરતો, પણ એ કામમાં હમેશાં કંઈક ને કંઈક વિઘ્ન આવી પડતું. તેમને સારુ ઘેર બીજી કેળવણીની સગવડ નહોતી કરી, તેથી તેમને મારી સાથે ચાલતો ઑફિસે લઈ જતો. ઑફિસ અઢી માઈલ હતી. એટલે સવાર-સાંજ મળી ઓછામાં ઓછી પાંચ માઈલની કસરત તેમને અને મને મળી રહેતી. રસ્તે ચાલતાં કંઈક શીખવવાનો પ્રયત્ન કરતો, પણ તેયે જો મારી સાથે બીજા કોઈ ચાલનાર ન હોય તો. ઑફિસમાં તેઓ અસીલોના ને મહેતાઓના પ્રસંગમાં આવે, કંઈક વાંચવાનું આપ્યું હોય તે વાંચે, આંટાફેરા કરે, બજારની સામાન્ય ખરીદી હોય તે કરે. સહુથી મોટા હરિલાલ સિવાય બધાં બાળકો આ રીતે ઊછર્યા. હરિલાલ દેશમાં રહી ગયો હતો. જો હું તેમને અક્ષરજ્ઞાન આપવા સારુ એક કલાક પણ નિયમિત બચાવી શક્યો હોત તો હું એમ માનત કે તેઓ આદર્શ કેળવણી પામેલા છે. એવો આગ્રહ મેં ન રાખ્યો એ દુઃખ મને અને તેમને રહી ગયું છે.'
No comments:
Post a Comment