Wednesday, March 18, 2020

૦૭

' ... પ્રસંગ સાતમા ધોરણનો છે. તે વખતે દોરાબજી એદલજી ગીમી હેડમાસ્તર હતા. તે વિદ્યાર્થીપ્રિય હતા, કેમ કે તેઓ નિયમ જળવાવતા, પદ્ધતિસર કામ કરતા ને લેતા, તથા શિક્ષણ ઠીક આપતા. તેમણે ઉપલા ધોરણના વિદ્યાર્થીઓને સારુ કસરતક્રિકેટ ફરજિયાત કર્યાં હતાં. મને તેનો અણગમો હતો. ફરજ પડી તે પહેલાં તો હું કદી કસરત, ક્રિકેટ કે ફૂટબૉલમાં ગયો જ નહોતો. ન જવામાં મારી શરમાળ પ્રકૃતિ પણ એક કારણ હતું. હવે હું જોઉં છું કે એ અણગમો મારી ભૂલ હતી. કસરતને શિક્ષણની સાથે સંબંધ ન હોય એવા ખોટા વિચાર તે વેળા હું ધરાવતો. પાછળથી સમજ્યો કે વ્યાયામને એટલે શારીરિક કેળવણીને માનસિકના જેવું જ સ્થાન વિદ્યાભ્યાસમાં હોવું જોઈએ.
 
છતાં કસરતમાં ન જવાથી મને નુકસાન ન થયું એમ મારે જણાવવું જોઈએ. તેનું કારણ એ કે, પુસ્તકોમાં ખુલ્લી હવા ખાવા ફરવા જવાની ભલામણ વાંચેલી તે મને ગમેલી, ને તેથી હાઈસ્કૂલનાં ઉપલાં ધોરણોથી જ ફરવા જવાની ટેવ મને પડી હતી. તે છેવટ લગી રહી. ફરવું એ પણ વ્યાયામ તો છે જ, તેથી મારું શરીર પ્રમાણમાં કસાયેલું બન્યું.'

No comments:

Post a Comment