'મેં તો ભ્રમણ શરૂ કર્યું. મારે નિરામિષ એટલે કે અન્નાહાર આપનારું ભોજનગૃહ શોધવું હતું. ઘરધણી બાઈએ પણ કહેલું કે લંડન તળમાં એવાં ગૃહો છે ખરાં. હું રોજ દશબાર માઈલ ચાલું. કોઈ ગરીબડા ભોજનગૃહમાં જઈ પેટ ભરીને રોટી ખાઈ લઉં, પણ સંતોષ ન વળે. આમ ભટકતાં એક દિવસ હું ફેરિંગ્ડન સ્ટ્રીટ પહોંચ્યો ને 'વેજિટેરિયન રેસ્ટરાં' (અન્નાહારી વીશી) એવું નામ વાંચ્યું. બાળકને મનગમતી વસ્તુ મળવાથી જે આનંદ થાય તે મને થયો. હર્ષઘેલો હું અંદર દાખલ થાઉં તેના પહેલાં તો મેં દરવાજા પાસેની કાચની બારીમાં વેચવાનાં પુસ્તકો જોયાં. તેમાં મેં સૉલ્ટનું 'અન્નાહારની હિમાયત' નામનું પુસ્તક જોયું. એક શિલિંગ આપી ખરીદ્યું ને પછી જમવા બેઠો. વિલાયતમાં આવ્યા પછી પેટ ભરીને ખાવાનું પ્રથમ અહીં મળ્યું. ઈશ્વરે મારી ભૂખ ભાંગી.'
No comments:
Post a Comment