Thursday, December 4, 2014

ભેંસમાસીના બચાવમાં

ડૉ. અશ્વિનકુમાર 
.................................................................................................................................

ગીતાએ કહ્યું નહીં હોય તો કહેશે કે, ‘વાહનચાલકોએ આ ત્રણ ગતિ-અવરોધક પરિબળોથી દૂર રહેવું : ભીડ, ભૂવા, અને ભેંસ.’ જોકે, ચતુષ્પદધારી ભેંસો દ્વિચક્રી વાહનો સાથેની અથડામણથી લઘુતાગ્રંથિ અનુભવતી હોય એવું લાગે છે. ગુજરાતમાં ભેંસોનો પણ ‘વિકાસ’ થઈ ગયો હોય એમ તેણીઓ જમતાં પહેલાં, જમતી વખતે, અને જમ્યા પછી ચાલવા માટે વિમાની મથક જેવા ખાસ સ્થળની પણ પસંદગી કરે છે. સુરતમાં હવાઈ પટ્ટી ઉપર ભેંસ વિમાનને અથડાઈ. ત્યાર પછી, ઉધના પાસે ભેંસ-અથડામણનો અનુભવ રાજધાની રેલગાડીને પણ થયો. થોડા દિવસો બાદ, વલસાડમાં હેલિપેડ ઉપર ભેંસોએ ઉન્નત શૃંગે પ્રવેશોત્સવ કર્યો. જાણે ‘પેજ થ્રી પાર્ટી એનિમલ’ હોય તેમ આ ભેંસોએ વાગોળતાં મોઢે તસવીરો પણ ખેંચાવી. આ ઘટનાનો પોદળો માંડ સુકાયો ત્યાં તો નવસારી નજીક એક ભેંસ દુરંતો રેલગાડીને ભટકાઈ પડી. 

ગુજરાતમાં સિંહ ભલે શિરમોર હોય, પણ ભેંસ હવે સમાચાર બનતી જાય છે. આપણા રાજ્યમાં જાફરાબાદી, મહેસાણી, સુરતી, બન્ની, થરાદરી ભેંસો આગવી ઓળખ મેળવી ચૂકી છે. જો તમે ગુજરાતમાં કચ્છ નથી જોયું તો કશું નથી જોયું. કચ્છમાં બન્ની નથી જોયું તો કશું નથી જોયું. બન્નીમાં ભેંસ નથી જોઈ તો કશું નથી જોયું. અમે અમિતાભ બચ્ચન નથી ને આ લેખ પ્રવાસન વિભાગની જાહેરાત નથી. છતાં, આવું બધું ઇરાદાપૂર્વક કહીએ છીએ. કારણ કે, કચ્છના બન્ની વિસ્તારમાં અમે એવી ભેંસ જોઈ હતી જેની કિંમત સવા લાખ રૂપિયા હતી. માહિતી અધિકાર કાયદા અંતર્ગત અરજી નહોતી કરી એટલે જ એ વિશેષ બાતમી પણ મળી કે, બન્નીમાં ખાધે-પીધે સુખી ઘરની એક ભેંસ બે લાખ સાઠ હજાર રૂપિયામાં વેચાઈ હતી. ભારતમાં સઘળી વાતે ‘ક્રમાંક એક’નું વિકાસસૂત્ર રમતું કરનાર ગુજરાત એવું રાજ્ય છે કે જ્યાં નેનોકડી કાર કરતાં બન્ની ભેંસ મોંઘી છે. એક વખત એ કાર ખરીદ્યા પછી, બીજા કોઈને વેચો તો મૂળ કિંમત કરતાં વીસ-પચીસ હજાર રૂપિયા ઓછા અંકાય. જયારે બન્ની ભેંસની કિંમત બીજા વેતરે વીસ-પચીસ હજાર રૂપિયા વધારે થાય. ગુજરાતીઓને આવો રોકડો લાભ અપાવવામાં ભેંસ સિવાય કયું પશુ તાન-માન-ધાનથી તૈયાર રહેવાનું છે?

સુરતમાં ભેંસનાં શિંગડાં વિમાનને આંબી ગયાં એટલે, બિહારના (ના)રાજનેતા નીતીશકુમારે એ મતલબનો સવાલ ફેસબૂક (અને આ કિસ્સામાં કહેવું હોય તો ભેંસબૂક) ઉપર તરતો મૂક્યો કે, ‘ભેંસ વિમાનને ટકરાય તેને વિકાસ કહેવાય?’ રાજ્યવિકાસ-હવનઅસ્થિપ્રક્ષેપકો તો એવું જ કહેવાના કે, ‘ગુજરાતમાં આ તો કેવો વિકાસ છે કે વિમાની મથકની બાજુમાં તબેલા હોય છે!’ જોકે, આપણા કોઈ સરકારી પ્રવક્તા આનો જવાબ આપતા એવું પણ કહી શકે કે, ‘ગુજરાતમાં એવો તો વિકાસ છે કે તબેલાની બાજુમાં વિમાની મથક હોય છે!’ બનવાજોગ છે કે, જ્યારે ગોચર અગોચર થાય ત્યારે પશુ ખોરાકની શોધમાં હદ ઓળંગે છે. આથી, કોઈ સ્થાનિક છાપાનો ખબરપત્રી એમ પણ સમાચાર લખે કે, ‘કારમી ઘાસતાણના કારણે, બે જુવાનજોધ પાડીઓની માતા એવી ભગરી ભેંસે, હવાઈ પટ્ટી ઉપર કાળ બનીને આવી રહેલા વિમાન આગળ પડતું મૂક્યું.’

દરેક માતૃભાષામાં જોડિયા શબ્દો જન્મતા અને જીવતા રહેતા હોય છે. જેમ કે, સીતા-રામ, શંકર-જયકિશન, દાળ-ભાત, ભાજી-પાંઉ, ગાય-ભેંસ ... ગાયની જેમ ભેંસને પણ એક પૂંછડી, ચાર આંચળ, અને બે ‘આઈ બ્રો’ હોય છે. છતાં ગાય માતા કહેવાય, અને ભેંસને માતેલી કહેવાય! જો ગાયને માતા તરીકે પૂજીએ તો ગાયની શ્યામળી બહેન સમાન ભેંસને ‘કેમ છો, માસી’ એવું કેમ ન પૂછીએ? આપણા પ્રાથમિક શિક્ષણમાં ‘ગાયમાતા’ વિશેના નિબંધડા પુછાય, પણ ઉચ્ચ શિક્ષણ પૂરું થઈ જાય તોય વિદ્યાર્થીઓને ‘ભેંસમાસી’ વિશે હાઈકુડી પણ નહીં પૂછવાની? ભારતની જનતાને ખાલી-ખાલી પૂછીને પણ, ભેંસને ‘રાષ્ટ્રીય શ્યામ સજીવરત્ના’ જાહેર કરી દેવી જોઈએ. સમર્થ સર્જક ર.વ. દેસાઈએ ‘ગ્રામલક્ષ્મી’ શબ્દને લોકપ્રિય કર્યો. અમે ભેંસ માટે ‘શ્યામલક્ષ્મી’ શબ્દને ચલણી બનાવવા માટે અખિલ ભારતીય સ્તરે પ્રયત્ન કરીશું.

સમગ્ર દેશમાં ગાયો માટે અલાયદી ગૌશાળાઓ છે, પરંતુ આઝાદીના અડસઠમા વર્ષે પણ ભેંસો માટે ભેંસશાળાઓની ધોરણસરની વ્યવસ્થા નથી. આથી, નિરક્ષર માણસો પણ ભેંસને ડોબું કહી જાય છે. વખતના બગાડ માટે તળપદી જબાનમાં ‘ડોબાં મૂંડવાં’ જેવો રૂઢિપ્રયોગ નિરાંતે વપરાય છે. આટલું ઓછું હોય એમ, ‘ભેંસ આગળ ભાગવત’ જેવી કહેવત ભેંસના સ્વમાન ઉપર પાટુ મારે છે. આપણી ધાર્મિક ભાવનાએ ગાયોને પવિત્ર ગણી અને ભેંસોને અવગણી. આથી, ભેંસો સમસમીને બેસી રહી, પણ ધર્મ ઉપરથી ભેંસોની શ્રદ્ધા ઊઠી ગઈ. આટલી વિગત-વાવ ખોદ્યા પછી ‘ભેંસ આગળ ભાગવત’ કહેવતનો એવો અર્થ કાઢી જ શકાય કે, ભેંસ નિરક્ષર નહીં, પણ નાસ્તિક હોઈ શકે.

સુરતની ભેંસઘાતક ઘટનાની બ્રહ્માંડવ્યાપી અસરો પડી શકે એમ છે. ‘બર્ડ હિટ’ની જેમ ‘બફેલો હિટ’ની શક્યતાને જોતાં આંતરરાષ્ટ્રીય હવાઈ નિયમોમાં ફેરફાર આવશે. હવે પછી કોઈ પણ વિમાનચાલકને પરવાનો આપતા પહેલાં એણે હવાઈ પટ્ટી ઉપર ઓછામાં ઓછી અડધો ડઝન ભેંસોના ટોળા વચ્ચે સલામત ઉડાણ અને ઉતરાણ કરવું પડશે. વિમાનચાલક નિરંતર અંગ્રેજી માધ્યમમાં ભણેલો હોય તોપણ તેણે ભેંસો સહેલાઈથી સમજી શકે તે માટે સ્થાનિક બોલીમાં ડચકારો કરવો પડશે. ચાલકે અનિવાર્ય સંજોગોમાં વિમાનને થોભાવી દઈને આગળ ઊભેલી ભેંસનું પૂંછડું આમળવું પડશે. તેણે વિમાનની પૂંછડીએ નહીં, પણ વિમાનચાલકની બેઠક સામે જ ‘હોર્ન પ્લીઝ’નું પાટિયું લગાવવું પડશે. ભેંસોનાં પડખાં ઉપર ફ્લૂરેસેન્ટ લાઇટ રિફ્લેક્ટર લગાડેલાં છે કે નહીં તે તપાસવા માટે તેણે હવાઈ મથકની આજુબાજુના વિસ્તારની નિયમિત મુલાકાત કરવી પડશે. આમ, ભેંસોના ક્ષેત્રે પારાવાર સંશોધનની શક્યતાઓ ઊભેલી છે. સરકારે માનવ સંસાધન વિકાસ વિભાગની જેમ મહિષી સંસાધન વિકાસ વિભાગ શરૂ કરીને, હવામાં ઊડતા યુવાધનને ભેંસો ઉપર સંશોધન કરવા માટે શિષ્યવૃત્તિ એટલે કે (બ)ફેલોશિપ આપવાની જરૂર છે!

.................................................................................................................................

સૌજન્ય :

'હળવે હૈયે'
'દિવ્ય ભાસ્કર', ૦૩-૧૨-૨૦૧૪, બુધવાર, 'કળશ' પૂર્તિ, પૃષ્ઠ : ૦૮


No comments:

Post a Comment